Loading Please Wait !!!
બૂલેટ રાજા: રબ ને બના દી જોડી !

  •  PDM કોલેજ ફાટકે બનશે સૌથી લાંબો ‘ઝેડ’ અંડર બ્રિજ
  • મેયર અને કમિશનર એક બૂલેટમાં નિરિક્ષણ કરવા મહાનગરપાલિકા મેયર અને કમિશ્નર બુલેટ પર પહોંચ્યા..

    સિટી ન્યૂઝ@રાજકોટ

    રાજકોટ મહાનગરપાલિકામાં 'રબ ને બના દી જોડી' જેવો અનોખો ઘાટ જોવા મળ્યો હતો. મેયર નેહલ શુક્લ અને મ્યુનિસિપલ કમિશનર બંને 'બુલેટ રાજા' બનીને રોયલ એનફિલ્ડ બુલેટ પર સવારી કરતા શહેરના ગોંડલ રોડ અને ઢેબર રોડ પર નીકળ્યા હતા. આ બંને ઉચ્ચ પદાધિકારીઓ PDM માલવીયા કોલેજ ફાટકે બનનાર નવા અંડરબ્રિજની સાઈટનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવા માટે આ અનોખા અંદાજમાં પહોંચ્યા હતા. સાઈટ પર પહોંચીને તેમણે મનપાના એન્જિનિયરો સાથે બ્રિજ નિર્માણની કામગીરી અને આવનારા પડકારો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

  •  

    700 મીટર લાંબો ’ઝેડ’ આકારનો બ્રિજ

    રાજકોટને ફાટક મુક્ત બનાવવાના અભિયાન હેઠળ PDM કોલેજ ફાટક પાસે શહેરનો સૌથી લાંબો ૭૦૦ મીટરનો અને ‘ઝેડ’ (Z) આકારનો અંડરબ્રિજ બનાવવામાં આવનાર છે. ગોંડલ રોડ અને ઢેબર રોડને જોડતા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે અંદાજિત ૫૦ કરોડનો ખર્ચ થશે. ગત ઓગસ્ટ મહિનામાં જ રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે ૪૦.૮૬ કરોડની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાની જાહેરાત ધારાસભ્ય રમેશ ટીલાળાએ કરી હતી. જોકે, ચૂંટણીઓને કારણે આ પ્રક્રિયા અટકી પડી હતી, જેને હવે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન (GUDM) ની સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ ફરીથી વેગ આપવામાં આવ્યો છે.

     

  • 50 થી વધુ મિલકતોમાં કપાત આવશે

    આ લાંબા અંડરબ્રિજ માટે પ્રારંભિક સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે અને તેની આધુનિક ડિઝાઇન પણ તૈયાર થઈ ચૂકી છે. રિપોર્ટ મુજબ, બ્રિજના નિર્માણ માટે ઢેબર રોડ પર ઢેબર કોલોનીથી ગોપાલનગર શેરી નંબર ૧ સુધીની અંદાજે ૫૦ કરતા વધારે મિલકતોમાં નાની-મોટી કપાત આવી શકે છે. મનપાએ આ મિલકતોને ‘લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ’ (LOP) હેઠળ મૂકી છે. હવે TP વિભાગ દ્વારા આ મિલકતોનો ઝીણવટભર્યો સર્વે કરી ટૂંક સમયમાં જ અસરગ્રસ્ત આસામીઓને નોટિસ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

     

  • ટ્રાફિક સમસ્યામાંથી મળશે મોટી રાહત

    આ રેલવે ફાટક પરથી ST બસો સહિતના ભારે વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી ૭૦૦ મીટર લંબાઈનો બ્રિજ અત્યંત જરૂરી છે. પ્રોજેક્ટ માટે રેલવે તંત્રએ પણ મનપાને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે. હાલમાં મનપા દ્વારા અંડરબ્રિજના ખર્ચનું એસ્ટિમેટ તૈયાર કરી તેને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી અર્થે રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળમાં શરૂ કરાયેલા ફાટક મુક્ત રાજકોટ અભિયાન અંતર્ગત આ બ્રિજ બનવાથી હજારો વાહનચાલકોને ગોંડલ રોડ અને ઢેબર રોડના ટ્રાફિક જામની કાયમી સમસ્યામાંથી મોટી મુક્તિ મળશે.