`લાલો' ફિલ્મના હિરોએ અભિનેત્રી પાસે `સેક્સ'ની માંગણીનો આરોપ
=> ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ
=> વીડિયો પ્રુફ સાથે ખૂલાસો : કરણ જોષી પર OTT એક્ટ્રેસે લગાવ્યા ગંભીર આરોપ
=> કરણ જોષીની ટીમે મને ઈમોશનલ બ્લેકમેલ કરી કહ્યું ભગવાન કૃષ્ણનું નામ ખરાબ થશે કહી દબાણ કર્યુ
સિટી ન્યૂઝ@અમદાવાદ
ગત વર્ષની લોકપ્રિય ગુજરાતી ફિલ્મ 'લાલો'ના મુખ્ય અભિનેતા કરણ જોશી હાલ એક ગંભીર વિવાદમાં સપડાયા છે. ઓટીટી પ્લેટફોર્મની અભિનેત્રી નેહલ વડોલિયાએ સોશિયલ મીડિયા પર પુરાવા સાથેનો એક વીડિયો શેર કરીને કરણ જોશી પર જાન્યુઆરી મહિનામાં શારીરિક સુખની અયોગ્ય માંગણી કરવાનો આક્ષેપ લગાવ્યો છે.
નેહલના જણાવ્યા અનુસાર, વિવાદ બાદ ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકોએ ભેગા મળીને મામલો દબાવવાનો અને ઇમોશનલ બ્લેકમેલ કરીને સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અન્ય યુવતીઓ ભોગ ન બને તે માટે તે આ સત્ય સામે લાવી રહી છે. બીજી તરફ, અભિનેતા કરણ જોશીએ આ આક્ષેપોને નકારી કાઢતાં જણાવ્યું છે કે તે સમયે તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું હતું અને તે જાન્યુઆરીમાં જ આ અંગે સ્પષ્ટતા કરી ચૂક્યા છે. તેવો લૂલો બચાવ કરી રહ્યા છે. ચાર-છ મહિના પછી અચાનક આ મુદ્દો ફરી ઉછળતાં કરણ જોશીએ ચિંતા વ્યક્ત કરી છે અને કાનૂની પગલાં લેવા માટે નિષ્ણાતોની સલાહ લઈ રહ્યા હોવાનું રટણ કર્યું છે.
એક્ટ્રેસ નેહલ વડોલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને તેના કેપ્શનમાં લખ્યું છે કે, 'હું આ બધું ફેમસ થવા માટે નહીં, પણ માત્ર સાબિતી આપવા માટે પોસ્ટ કરી રહી છું. પહેલાં તો આ લોકોએ એવું કહ્યું કે મેસેજ કોઈ મિત્રએ લખ્યો હતો, પછી ન્યૂઝમાં અને સ્ટોરીમાં કહ્યું કે હેકરે લખ્યો છે. ત્યારપછી, એક કોમન ફ્રેન્ડ, આ છોકરો (કરણ જોશી) પોતે, એક પ્રોડ્યુસર અને ડિરેક્ટર એમ કુલ પાંચ લોકોએ ભેગા મળીને મને મનાવવાની કોશિશ કરી. તેઓએ મને ઇમોશનલ બ્લેકમેલ કરતા કહ્યું કે 'તમે તો ભગવાન કૃષ્ણને આટલું માનો છો, પ્લીઝ આ બધું ડિલીટ કરી દો નહીંતર ભગવાનનું નામ ખરાબ થશે.' વાહ! કાંડ તમે કરો અને નામ ભગવાનનું ખરાબ થાય? મેં કોલ પર વાત કરવા માટે હા પાડી હતી, પણ તેમની શરત એ હતી કે હું કોઈને ન કહું કે તેઓએ મારી માફી માગી છે. મેં ત્યારે હા પાડી દીધી હતી અને ગામની પંચાયતની જેમ પાંચ લોકોએ ભેગા મળીને આ સમાધાન કરાવ્યું હતું.'
'પરંતુ, હું આ સત્ય દુનિયા સામે લાવીને જ રહીશ, જેથી ન્યૂઝની કે આ છોકરા(કરણ જોશી)ની વાતોમાં આવીને કોઈ અન્ય છોકરી પોતાનો સમય બગાડે નહીં. સામે કોઈ પણ હોય મને ફરક નથી પડતો. હું મહાદેવની દીકરી છું, મને શાંત રહેતા અને રૌદ્ર રૂૂપ ધારણ કરતા બંને સારી રીતે આવડે છે. ૐ નમ: શિવાય. તે મેસેજ કોણે લખ્યો હતો એ તો ભગવાન જાણે, પણ જો તમારી સાથે ખોટું થાય તો અવાજ ઉઠાવો. લોકો સાબિતી વગર ક્યારેય ભરોસો નથી કરતા, એટલે બધી બાબતોથી જાગૃત રહો અને તમારી આંખ, કાન તેમજ દિમાગ ખુલ્લા રાખીને જ આગળ વધો.