Loading Please Wait !!!
કેન્યા હાઈકોર્ટનો મોટો આદેશ: બેંક ઓફ બરોડાએ ગુજરાતી બિઝનેસમેનને ચૂકવવા પડશે ૨૨૦૦ કરોડથી વધુ

 

  • નાયરોબીના ઈસ્ટર્ન બાય-પાસ પાસેના વિશાળ પ્રોજેક્ટને લઈને ચાલી રહી છે કાનૂની લડાઈ

  • જમીનના ટાઇટલ દસ્તાવેજો રોકી રાખવા અને ભંડોળનો હપ્તો ન આપવાનો આક્ષેપ

  • કોર્ટ દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં બેંક દ્વારા બચાવ રજૂ ન કરાતા થયો એકતરફી ચુકાદો

સિટી ન્યુઝ @ નાયરોબી

બેંક ઓફ બરોડા આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટી નાણાકીય મુશ્કેલીમાં મુકાઈ છે. નાયરોબી હાઈકોર્ટે બેંક ઓફ બરોડાને ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અશોક રૂ૫શી શાહ દ્વારા સંચાલિત કંપની 'ઇન્ફિનિટી ઇન્ડસ્ટ્રિયલ પાર્ક લિમિટેડ'ને અંદાજે ૨૨૧૦ કરોડ રૂપિયા ચૂકવવાનો કડક આદેશ આપ્યો છે. આ કેસ નાયરોબીના ઇસ્ટર્ન બાય-પાસ પાસે સ્થિત ઇન્ડસ્ટ્રિયલ પાર્ક પ્રોજેક્ટ માટે બેંક દ્વારા પૂરી પાડવામાં આવેલી કોમર્શિયલ લોન અને કરારના ભંગ સાથે જોડાયેલો છે. ડેવલપરે આક્ષેપ કર્યો હતો કે બેંકે જમીનના મહત્વપૂર્ણ ટાઇટલ દસ્તાવેજો રોકી રાખીને, મંજૂરીઓમાં વિલંબ કરીને અને ભંડોળનો આગળનો હપ્તો અટકાવીને કરારનું ઉલ્લંઘન કર્યું છે.

શરૂઆતમાં આ કાનૂની વિવાદ પ્રોજેક્ટનો કબજો અટકાવવા માટે શરૂ થયો હતો, પરંતુ જ્યારે બેંકે કોર્ટ દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં પોતાનો બચાવ (ડિફેન્સ) રજૂ ન કર્યો ત્યારે કાનૂની સ્થિતિ બદલાઈ ગઈ હતી. હાઈકોર્ટે પ્રક્રિયાગત બેદરકારી અને બેંકની નિષ્ક્રિયતાને ટાંકીને તેની સામે 'ડિફોલ્ટ જજમેન્ટ' (એકતરફી ચુકાદો) આપ્યો હતો અને તે રદ કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે અંદાજે ૨.૯૯૬ અબજ કેન્યા શિલિંગના વિશેષ નુકસાન માટેનો દાવો માન્ય રાખ્યો છે.

આ કાનૂની લડાઈ દરમિયાન બેંક દ્વારા એડમિનિસ્ટ્રેટર્સની નિમણૂક કરવાના વિવાદાસ્પદ પગલાં અને કોર્ટના આદેશોના ભંગને લઈને મામલો વધુ ગરમાયો છે. યુએઈની એનએમસી હેલ્થ કંપની સાથે જોડાયેલા ૫૭૦૦ કરોડના આંતરરાષ્ટ્રીય સેટલમેન્ટ બાદ બેંક માટે આ નવો આંચકો વિદેશી કાર્યો અને ક્રૉસ-બોર્ડર રિસ્ક મેનેજમેન્ટ સામે ગંભીર સવાલો ઊભા કરી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બેંકિંગ જોખમ

વિદેશી બજારોમાં કામ કરતી નાણાકીય સંસ્થાઓ માટે કાનૂની કરારોનું પાલન અને સચોટ જોખમ સંચાલન કરવું અત્યંત અનિવાર્ય છે જેથી ભવિષ્યના મોટા આર્થિક નુકસાનથી બચી શકાય.