ક્લિનિકલ નિયમોમાં મોટા ફેરફાર: ડોક્ટરોએ હવે સ્થાનિક ભાષામાં ફી જાહેર કરવી પડશે
- પરામર્શ કક્ષથી લઈને વેઈટિંગ એરિયા સુધીના કદ નક્કી કરાયા; નિયમોનું ઉલ્લંઘન ભારે પડશે.
- એસ્પિરિન અને એડ્રેનાઈલ સહિતની જરૂરી દવાઓ રાખવી ફરજિયાત; દર્દીઓની સુરક્ષાને પ્રાથમિકતા.
- દરેક ક્લિનિકના પ્રવેશદ્વાર પર મોટું સાઈન બોર્ડ લગાવવું પડશે; ખાનગી હોસ્પિટલોએ નિર્ણયને વધાવ્યો.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા દેશના આરોગ્ય તંત્રમાં મોટા સુધારા કરવાના હેતુથી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ નિયમોમાં સંશોધન કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. નવા નિયમો મુજબ, હવે ડોક્ટરોએ માત્ર અંગ્રેજીમાં જ નહીં, પરંતુ ફરજિયાતપણે સ્થાનિક ભાષામાં પણ પોતાની ફી, શૈક્ષણિક યોગ્યતા અને રજિસ્ટ્રેશન નંબરનું બોર્ડ લગાવવું પડશે. આ પગલાથી દર્દીઓ ડોક્ટર વિશે બહેતર નિર્ણય લઈ શકશે અને સ્વાસ્થ્ય પ્રણાલીમાં તેમનો વિશ્વાસ વધશે.
નવા નિયમો અંતર્ગત ક્લિનિકો અને ડિસ્પેન્સરીઓ માટે ઈમરજન્સી દવાઓનો સ્ટોક રાખવો પણ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. જેમાં એસ્પિરિન, એડ્રેનાઈલ ઇન્જેક્શન, એન્જાઈના માટે આઈસોસોરબાઈડ ડિનિટ્રેટ, એટેક અને ગભરામણ માટે ડાયજેપામ, ગંભીર એલર્જી માટે ડેક્સાસામેથાસોન અને હૃદયના ધીમા ધબકાર માટે એટ્રોપીન જેવી જીવનરક્ષક દવાઓ સામેલ છે. આ ફેરફારોમાં માત્ર ક્લિનિક જ નહીં, પરંતુ ડાયગ્નોસ્ટિક સેન્ટર અને શબઘરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
માળખાગત સુવિધાઓની વાત કરીએ તો, ડોક્ટરોના પરામર્શ કક્ષનો ન્યૂનતમ આકાર 70 વર્ગ ફૂટ હોવો જોઈએ. તેમજ દર્દીઓ માટેના રિસેપ્શન અને વેઈટિંગ એરિયા માટે ઓછામાં ઓછી 35 વર્ગ ફૂટની જગ્યા ફાળવવી પડશે. જો કોઈ કેન્દ્રમાં દર્દીઓને 8 કલાક રાખવાની સુવિધા હોય, તો ત્યાં દર બેડ દીઠ ઓછામાં ઓછી 65 વર્ગ ફૂટની જગ્યા હોવી જોઈએ. પરિસરમાં શુદ્ધ પાણી, પૂરતો પ્રકાશ અને વેન્ટિલેશનની પણ ઉચિત વ્યવસ્થા હોવી અનિવાર્ય છે.
સરકારે સ્વચ્છતાના ધોરણો પર પણ ભાર મૂક્યો છે. ક્લિનિકની ફર્શ ચીકણી ન હોવી જોઈએ અને દીવાલો પર કીડા કે ઉધઈ ન હોવા જોઈએ. નેશનલ મેડિકલ કમિશનના આંકડા મુજબ, ભારતમાં હાલ 43,486 ખાનગી સ્વાસ્થ્ય સુવિધાઓ અને 13,86,136 ડોક્ટરો નોંધાયેલા છે, જેમને આ નવા નિયમો લાગુ પડશે. દરેક સંસ્થાના પ્રવેશદ્વાર પર કામના કલાકો અને અપાતી સેવાઓની સ્પષ્ટ યાદી દર્શાવતું મોટું સાઈન બોર્ડ રાખવું પડશે.
ભારતીય હોસ્પિટલ નેટવર્ક અને ખાનગી ક્ષેત્ર દ્વારા આ પ્રસ્તાવિત ધોરણોનું સ્વાગત કરવામાં આવ્યું છે. મેક્સ હેલ્થ કેરના પ્રવક્તાએ જણાવ્યું છે કે પ્રાદેશિક ભાષાઓમાં માહિતી પૂરી પાડવાના નિર્ણયથી દર્દીઓને પારદર્શક સેવાઓ મળશે. સરકારના આ કડક વલણનો મુખ્ય હેતુ દર્દીઓની સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને ખાનગી પ્રેક્ટિસમાં સમાનતા અને જવાબદારી લાવવાનો છે.