Loading Please Wait !!!
મનપા, જિલ્લા-તાલુકા પં.ના પદાધિકારીઓ માટે સેન્સ શરૂ

  • રાજકોટ મેયર પદ માટે બ્રાહ્મણ અથવા પાટીદાર સમાજને પ્રભુત્વ મળશે,
  • OBC કોર્પોરેટરોની ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન માટેની માગણી
  • ભાજપ સંકલન સમિતિ દ્વારા ત્રણ-ત્રણ નામોની પેનલ તૈયાર
  • લાલ ગાડી તથા હોદ્દાઓ માટે તમામ કોર્પોરેટરોની દાવેદારી નોંધાવી
  • કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન ખાટરીયાનું જિલ્લા પંચાયતમાં નામ મોખરે
  • બ્રાહ્મણ, પાટીદાર સમાજનો દબદબો પણ મોખરે

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે પદાધિકારીઓની નિમણુંક માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજે રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશના નિરીક્ષકો દ્વારા મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ માટે ચૂંટાયેલા નગરસેવકોની સેન્સ લેવામાં આવી રહી છે.

જેમાં રાજકોટ મહાનગર પાલિકાના મેયર પદ પર સામાન્ય અનામત કારણે બ્રાહ્મણ અથવા પાટીદાર સમાજને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહ છે માટે OBC સમાજના ચૂંટાયેલા નગરસેવકો દ્વારા ડેપ્યુટી મેયર પદ માટે સેન્સ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ માટે OBC પુરુષ અનામત હોવાથી ત્યાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન ખાટરીયાનું નામ મોખરે ચાલી રહ્યું છે.

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે પદાધિકારીઓ માટેની સેન્સ પ્રક્રિયા રાજકોટ શહેર કમલમ કાર્યાલય ખાતે ચાલી રહી છે. પ્રદેશના નિરીક્ષકો નટુજી ઠાકોર, સીતાબેન પટેલ અને નિલેશભાઈ ઓડેદરા રાજકોટ આવી ચૂંટાયેલા નગરસેવકો તેમજ તેમના વોર્ડ પ્રમુખ અને મહામંત્રીને સાંભળી તેમની સેન્સ સ્વીકારી રહ્યા છે જે પ્રક્રિયા આજે દિવસ દરમિયાન ચાલશે અને તમામ 18 વોર્ડની સેન્સ પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા તમામનો બાયોડેટા પ્રદેશ મવડી મંડળ સમક્ષ રજૂ કરશે અને આગામી સપ્તાહ દરમિયાન પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવશે.

રાજકોટ મહાનગર પાલિકાના હોદેદારો માટે બ્રાહ્મણ સમાજમાંથી પરેશ ઠાકર, નેહલ શુકલા, મનીષ ભટ્ટનું નામ મોખરે છે જયારે પાટીદાર સમાજમાંથી દિલીપ લુણાગરિયા, પરેશ પીપળીયા, કેતન પટેલનું નામ મોખરે ચાલી રહ્યું છે. OBC સમાજમાંથી ઘનશ્યામ હેરભા, જાનકીબેન કાટોડિયા, પ્રદિપ ડવ, નિલેશ હેરભા અને કાળું કુગશીયાનું નામ મોખરે ચાલી રહ્યું છે. 

આ ઉપરાંત લોહાણા સમાજની નારાજગીને ધ્યાનમાં રાખી લોહાણા સમાજના મહિલા કોર્પોરેટર વર્ષાબેન પાંધી, નીતાબેન લાલ અને દક્ષાબેન વસાણીને કોઈ એક પદમાં સમાવિષ્ટ કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

બીજી તરફ આજે અને આવતીકાલ એમ બે દિવસ રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા ચાલવાની છે. જેમાં રાજકોટ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાના પદાધિકારીઓ માટે સેન્સ લેવામાં આવી રહી છે. પ્રદેશના નિરીક્ષક રાકેશ શાહ, કૌશલ્યકુંવરબા અને રાજેન્દ્ર પટેલ દ્વારા સેન્સ લેવામાં આવી રહી છે.