અમેરિકાએ ભારતને 657 પ્રાચીન ચોરાયેલી મૂર્તિઓ પરત કરી
સિટી ન્યૂઝ@ન્યૂયોર્ક : અમેરિકાએ ભારતને અંદાજે 120 કરોડ રૂપિયાથી વધુની કિંમતની 657 દુર્લભ અને પ્રાચીન મૂર્તિઓ પરત કરી છે. આ અમૂલ્ય વારસો સુભાષ કપૂર અને નેન્સી વીનર જેવા આંતરરાષ્ટ્રીય તસ્કરો દ્વારા ભારતમાંથી ચોરી કરીને અમેરિકા લઈ જવામાં આવ્યો હતો.
મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રૈગ અને ભારતીય કોન્સ્યુલ જનરલ રાજલક્ષ્મી કદમની હાજરીમાં આ મૂર્તિઓ સોંપાઈ હતી. આ ઐતિહાસિક વારસો ભારતને ત્રણ તબક્કામાં પરત મળ્યો છે. નવેમ્બર 2024 માં 612 મૂર્તિઓ અને જુલાઈ 2025 માં 26 મૂર્તિઓ પરત કરાઈ હતી. તાજેતરમાં 28 એપ્રિલ 2026 ના રોજ વધુ 19 મૂર્તિઓ ભારતને સોંપાઈ છે, જેમાંની 17 મૂર્તિઓ સીધી રીતે તસ્કર સુભાષ કપૂર સાથે જોડાયેલી છે. નિષ્ણાતોના મતે હજુ પણ ભારતમાંથી ચોરાયેલી 1000 થી વધુ કલાકૃતિઓ પરત લાવવાની બાકી છે. અમેરિકન એજન્સી HSI અને ભારત સરકાર આ માટે સઘન પ્રયાસો કરી રહ્યા છે. આ ઐતિહાસિક વારસાની વાપસી બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આનંદ વ્યક્ત કર્યો છે. આ સંગ્રહમાં 17 કરોડ રૂપિયાની કિંમત ધરાવતી અવલોકિતેશ્વરની કાંસ્ય પ્રતિમા સામેલ છે, જે 1982 માં છત્તીસગઢના રાયપુર મ્યુઝિયમમાંથી ચોરાઈ હતી અને 2025 માં જપ્ત કરાઈ હતી. આ ઉપરાંત 63 કરોડ રૂપિયાની લાલ બલુઆ પથ્થરની બુદ્ધની પ્રતિમા અને વર્ષ 2000 માં મધ્ય પ્રદેશમાંથી ચોરાયેલી નૃત્ય કરતા ગણેશની પથ્થરની મૂર્તિ પણ પરત મળી છે.