રવિવારે UG NEET અને TAAT-1ની પરીક્ષા
- નીટની 12 અને ટાટ-1ની 165 બિલ્ડીંગો પર બેઠક વ્યવસ્થા
- વર્ગ-1 અને 2ના અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે નિયુકિત
સિટી ન્યૂઝ@ગાંધીનગર : રાજકોટ ખાતે આગામી તા.3 મે અને રવિવારના રોજ યુજી નીટ અને ટાટ-1ની પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં 38871 જેટલા ઉમેદવારો બેસનાર છે. આ બન્ને સ્પર્ધાત્મક પરીક્ષા શાંતીપૂર્ણ વાતાવરણમાં લેવાય અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે.આ પરીક્ષાના પેપરો પણ આવતીકાલે રાજકોટ ખાતે આવી પહોંચનાર છે. આ પરીક્ષા માટે ઓબ્ઝર્વર તરીકે જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા વર્ગ-1 અને 2નાં અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે નિયુકિત કરી દેવામાં આવી છે જેમાં મેડીકલ અને પેરામેડીકલના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાનારી યુજી નીટની આ પરીક્ષા નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવામાં આવનાર છે. યુજી નીટની આ પરીક્ષામાં 5568 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. જે 12 જેટલી શાળાઓના સેન્ટરો પરથી પરીક્ષા આપશે. આ પરીક્ષામાં 720 ગુણના 180 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે.
આ પરીક્ષામાં નેગેટીવ માર્કિંગ સીસ્ટમ હોય ખોટો જવાબ લખવા બદલ વિદ્યાર્થીઓનો 1 માર્ક કપાશે. નીટની પરીક્ષા માટે પરીક્ષા સેન્ટરો પર વિદ્યાર્થીઓને 11-30 વાગ્યે પ્રવેશ આપી દેવામાં આવશે. જયારે માધ્યમિક શાળાઓમાં ધો.9 અને 10માં શિક્ષક બનવા માટેની ટાટ-1ની પ્રીલીમરી પરીક્ષા પણ આ જ દિવસે એટલે કે રવિવારના બપોરના 3થી 6 વાગ્યા દરમ્યાન લેવામાં આવશે. ટાટ-1ની આ પરીક્ષા રાજયના ચાર ઝોનમાં લેવામાં આવનાર છે જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત ઝોનનો સમાવેશ થાય છે જેમાં રાજકોટ ઝોનમાં 165 શાળાઓના સેન્ટરો પરથી આ પરીક્ષા લેવામાં આવશે. જેમાં 33300 જેટલા ઉમેદવારો બેસનાર છે.
200 ગુણની આ પરીક્ષા એમસીકયુ આધારીત રહેશે.આ પરીક્ષામાં પણ 0.25 નેગેટીવ માર્કિંગ રહેશે. ટાટ-1ની પરીક્ષાના પેપરો આવતીકાલે રાજકોટ આવી પહોંચતા તેને કરણસિંહજી હાઈસ્કૂલના સ્ટ્રોંગ રૂમમાં પોલીસ બંદોબસ્ત હેઠળ સીલ કરી દેવામાં આવશે. રવિવારે આ બન્ને પરીક્ષાઓમાં કુલ 38871 ઉમેદવારો બેસનાર હોય ઉમેદવારો મુકત મને અને શાંતીપૂર્ણ રીતે આપી શકે તે માટે વિશેષ પ્રબંધો કરવામાં આવેલ છે.