સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ ૭૦૦થી વધુ પોઈન્ટ ઉછળ્યો!
-
સેન્સેક્સ ૭૮,૮૮૩ પર ખૂલીને ૭૮,૮૯૫ ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો.
-
બજાજ ફાઇનાન્સ, ઇન્ડિગો અને આઈટીસી જેવા લાર્જકેપ શેરોમાં જોરદાર ઉછાળો આવ્યો.
-
ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને વિરામ આપવાના સંકેતો આપ્યા છે.
સિટી ન્યુઝ @ મુંબઈ
મુંબઈ, સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજારમાં તુફાની તેજી જોવા મળી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ ૭૦૦થી વધુ પોઈન્ટના તોતિંગ ઉછાળા સાથે ખૂલીને પળવારમાં ૭૮,૮૦૦ ની મજબૂત સપાટી વટાવી ગયો હતો, તો સામે પક્ષે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ પાછલા બંધ સામે બુલંદ તેજી સાથે ૨૪,૫૦૦ ના સ્તરને પાર કરી ગયો હતો. બજારમાં આ મજબૂત તેજી પાછળ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને લઈને લેવામાં આવેલા મોટા નિર્ણયને જવાબદાર માનવામાં આવી રહ્યો છે, જેનાથી વૈશ્વિક સ્તરે સકારાત્મક માહોલ બન્યો છે.
શેરબજારના કારોબારની શરૂઆતની વાત કરીએ તો, બીએસઈ સેન્સેક્સ તેના પાછલા શુક્રવારના બંધ ૭૮,૦૯૪ ની સરખામણીએ ૭૮૯ પોઇન્ટના શાનદાર ઉછાળા સાથે ૭૮,૮૮૩ પર ખૂલ્યો હતો અને ત્યારબાદ ૭૮,૮૯૫ ના ઊંચા સ્તરે પહોંચી ગયો હતો. બીજી તરફ, એનએસઈ નિફ્ટી ઇન્ડેક્સ તેના પાછલા બંધ ૨૪,૩૮૩ ની સામે જોરદાર તેજી સાથે ૨૪,૫૭૨ ના સ્તરે ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. આ તેજીને કારણે વિવિધ કેટેગરીના શેરોમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેમાં લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ તમામ સેગમેન્ટમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો.
બજારની આ તેજીમાં લાર્જકેપ શેરોમાં બજાજ ફાઇનાન્સ ૩%, ઇન્ડિગો ૨.૯૦%, બજાજ ફિનસર્વ ૨.૭૦% અને આઈટીસી ૨% વધીને કારોબાર કરી રહ્યા હતા. મિડકેપ શેરોમાં અશોક લેલેન્ડ ૨.૯૫%, પેટીએમ ૧.૯૫% અને સુઝલોન ૧.૯૦% તેજી સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. સ્મોલકેપ શેરોમાં રેડિંગટન ૪.૯૦%, જીઇ શિપિંગ ૪.૨૦% અને રિલાયન્સ પાવર ૩.૯૦% ના ઉછાળા સાથે સક્રિય રહ્યા હતા.
શેરબજારમાં જોવા મળેલી આ મજબૂત તેજી પાછળ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય મુખ્ય છે. ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ અને યુદ્ધને વિરામ આપવાના સંકેત આપ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે તેહરાન સાથે સોમવાર બપોરથી જ મંત્રણાનો દોર શરૂ થઈ રહ્યો છે. જોકે તેમણે આ કરાર પૂર્ણ કરવા માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી નથી, પરંતુ વધુ જાનમાલનું નુકસાન અટકાવવા માટે રાજદ્વારી વાટાઘાટોને જ ઉત્તમ વિકલ્પ ગણાવ્યો છે.
આ સકારાત્મક વૈશ્વિક સંકેતો અને ઘરેલુ ખરીદીના મજબૂત સમર્થનને કારણે ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં પણ ઉત્સાહ જળવાઈ રહેવાની પૂરી સંભાવના છે, જે રોકાણકારો માટે રાહતરૂપ સાબિત થઈ રહ્યું છે.