Loading Please Wait !!!
સ્માર્ટફોન રિટેલર્સ સંગઠન AIMRA દ્વારા સેમસંગ, એપલ અને શાઓમી જેવી કંપનીઓને 'ઝીરો-કોસ્ટ EMI' સ્કીમ બંધ કરવા પત્ર!

 

  • કંપનીઓએ ૧૭ થી ૧૯ ટકા જેટલો સબવેન્શન ચાર્જ ચૂકવવો પડતો હોવાનું જણાવવામાં આવ્યું.

  • સ્માર્ટફોનની બેઝલાઇન કિંમત ઘટવાથી સામાન્ય ગ્રાહકો માટે ખરીદી વધુ સરળ બનશે.

  • ફાઇનાન્સ કંપનીઓ દ્વારા લોન એપ્રૂવલ રેટ પચાસ ટકાથી વધીને પંચોતેર ટકા સુધી પહોંચી શકે છે.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

નવી દિલ્હી, ભારતનાં સ્માર્ટફોન રિટેલર્સના સંગઠન 'ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેલર્સ એસોસિએશન' (AIMRA) એ સેમસંગ, એપલ, વિવો, શાઓમી, ઓપ્પો અને રિયલમી જેવી દિગ્ગજ કંપનીઓને પત્ર લખીને 'ઝીરો-કોસ્ટ EMI' સ્કીમ બંધ કરવા વિનંતી કરી છે. રિટેલર્સનું માનવું છે કે વ્યાજ વગરનાં હપ્તાની યોજનાઓને બદલે ગ્રાહકો સામાન્ય વ્યાજવાળી હોમ કે કન્ઝ્યુમર લોન દ્વારા સ્માર્ટફોન ખરીદે તે જરૂરી છે, જેથી ફોનની મૂળ કિંમતમાં ઘટાડો થઈ શકે અને તે સામાન્ય લોકો માટે વધુ પરવડે તેવા બને.

AIMRA ના જણાવ્યાં અનુસાર, લાંબા ગાળાની ઝીરો-કોસ્ટ EMI સ્કીમ પૂરી પાડવા માટે સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓએ ૧૭ ટકાથી ૧૯ ટકા જેટલો ચાર્જ ચૂકવવો પડે છે અને કંપનીઓ આ વધારાનો ખર્ચ સીધો સ્માર્ટફોનની વેચાણ કિંમતમાં જ ઉમેરી દે છે. આના કારણે તમામ ગ્રાહકો માટે સ્માર્ટફોનની કિંમતો કૃત્રિમ રીતે વધી જાય છે, જેનો બોજ રોકડમાં ખરીદી કરતા લોકો પર પણ પડે છે. AIMRA ના ચેરમેન કૈલાશ લાખિયાણીએ પ્રસ્તાવ મૂક્યો છે કે ઓટોમોબાઈલ અને હાઉસિંગ ક્ષેત્રની જેમ મોબાઈલ ક્ષેત્રમાં પણ ગ્રાહકો પાસેથી સીધું વ્યાજ લેવાની પરંપરા શરૂ થવી જોઈએ.

આ મોડેલ અપનાવવાથી સ્માર્ટફોનની મૂળ કિંમતમાં મોટો ઘટાડો થશે અને જે ખર્ચ અત્યાર સુધી કંપનીઓ દ્વારા બેંકોને ચૂકવાતો હતો તે બચી જતાં બ્રાન્ડ્સનો નફો પણ જળવાઈ રહેશે. આ ફેરફારથી ફાઇનાન્સ કંપનીઓ અને બેંકો દ્વારા લોન મંજૂર થવાનો દર પણ પચાસ ટકાથી વધીને પંચોતેર ટકા સુધી પહોંચી શકશે. એસોસિએશન દ્વારા શેર કરાયેલા ડેટા મુજબ, એક જ જેવા ફીચર્સ ધરાવતા સ્માર્ટફોનની કિંમતોમાં માત્ર નો-કોસ્ટ EMI સ્કીમના કારણે જ તફાવત જોવા મળે છે.

જો વ્યાજનો બોજ સીધો ધિરાણ લેનાર ગ્રાહક પર જ રાખવામાં આવે, તો બેંકો અને એનબીએફસી ગ્રાહકોને ૪૮ મહિના સુધીના લાંબા હપ્તાની સુવિધા આપી શકશે, જેથી ગ્રાહકો પોતાના બજેટ મુજબ ચૂકવણીનો પ્લાન પસંદ કરી શકે. ઉદ્યોગના નિષ્ણાતો જણાવે છે કે આ ફેરફારથી રોકડ અથવા એકસાથે પૂરા પૈસા આપીને ફોન ખરીદનારા ગ્રાહકોને સૌથી મોટો ફાયદો થશે કારણ કે તેમને હેન્ડસેટ ખૂબ સસ્તા ભાવે મળશે.

જોકે લોન પર ફોન લેનારાઓએ થોડું વ્યાજ ચૂકવવું પડશે, પરંતુ મૂળ કિંમત ઓછી હોવાના કારણે અને બ્રાન્ડ્સનો છૂપો ચાર્જ દૂર થવાથી સમગ્ર સ્માર્ટફોન માર્કેટમાં પારદર્શિતા આવશે. આ પ્રસ્તાવથી રિટેલ ઉદ્યોગમાં એક મોટો બદલાવ આવી શકે છે.