હરિદ્વારમાં ઈમરાન હાશ્મીની ફિલ્મના સેટ પર ભારે હોબાળો મચ્યો
- તીર્થનગરીમાં 'કેફે એન્ડ બાર' નું બોર્ડ લગાવતા સ્થાનિક લોકો ભડક્યા, શૂટિંગ રોકાવ્યું
- ધાર્મિક આસ્થા દુભાતા લોકોએ હોબાળો કર્યો, ફિલ્મની ટીમે વિવાદિત બોર્ડ હટાવવું પડ્યું
- નકલી રેસ્ટોરન્ટના બોર્ડ પર 'બાર' લખેલું હોવાથી લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો
સિટી ન્યુઝ @ હરિદ્વાર
બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની એક આગામી ફિલ્મનું શૂટિંગ હરિદ્વારમાં કરી રહ્યા છે. આ શૂટિંગ દરમિયાન ફિલ્મના સેટ પર ભારે હોબાળો અને વિવાદ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સેટ પર એક દ્રશ્યનું શૂટિંગ ચાલી રહ્યું હતું, જેમાં એક નકલી રેસ્ટોરન્ટ ઊભી કરવામાં આવી હતી અને ત્યાં 'કેફે એન્ડ બાર' નું સાઈનબોર્ડ લગાવવામાં આવ્યું હતું. હરિદ્વાર જેવી પવિત્ર નગરીમાં આવા શબ્દોનો ઉપયોગ થતો જોઈને કેટલાક સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને સેટ પર પહોંચીને જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું.
સ્થાનિક લોકોના હોબાળા બાદ સેટ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ વિરોધ પ્રદર્શનના ઘણા ફોટોઝ અને વીડિયોઝ હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે વાયરલ થઈ રહ્યા છે. અહેવાલો મુજબ, જે સમયે આ વિવાદ થયો ત્યારે સેટ પર ઈમરાન હાશ્મીની સાથે જાણીતો એક્ટર અપારશક્તિ ખુરાના પણ હાજર હતો. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં આ બંનેમાંથી કોઈ પણ કલાકાર જોવા મળી રહ્યા નથી. ફિલ્મની ટીમે શૂટિંગના સેટઅપ માટે આ નકલી રેસ્ટોરન્ટ અને સાઇનબોર્ડ તૈયાર કર્યું હતું.
સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓનું સ્પષ્ટ કહેવું હતું કે હરિદ્વાર એક અત્યંત પવિત્ર તીર્થનગરી છે. અહીં દર વર્ષે દેશ-વિદેશમાંથી કરોડો શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા લઈને આવે છે. આવામાં પવિત્ર ભૂમિ પર 'બાર' વાળું બોર્ડ લગાવવું એ હરિદ્વારની ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક છબીને મોટું નુકસાન પહોંચાડવા સમાન છે. લોકોના આ ઉગ્ર આક્રોશ અને સતત વધતા વિવાદને જોતા આખરે ફિલ્મની ટીમે નમતું જોખવું પડ્યું હતું અને તે વિવાદિત બોર્ડ તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવ્યું હતું.
તીર્થનગરીની ગરિમા જાળવવી જરૂરી હરિદ્વાર ભારતની એક અત્યંત પવિત્ર તીર્થનગરી છે, જ્યાં દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા અને શ્રદ્ધા સાથે દર્શન કરવા આવે છે. આ પવિત્ર ભૂમિ પર ફિલ્મના શૂટિંગના બહાને બાર કે અન્ય કોઈ વાંધાજનક શબ્દોનો ઉપયોગ ધાર્મિક ભાવનાઓને સીધી રીતે ઠેસ પહોંચાડે છે. સિનેમા અને કલાક્ષેત્રે આઝાદી ચોક્કસ હોવી જોઈએ, પરંતુ લોકોની ધાર્મિક આસ્થા અને ગરિમા જળવાય તે અત્યંત આવશ્યક છે.