અમદાવાદ મનપા ચૂંટણી પહેલા લાંભામાં ભડકો: "કોર્પોરેટરનો વિકાસ થયો, વોર્ડનો નહીં", સ્થાનિકોમાં ભારે રોષ!
- પાંચ વર્ષમાં પાંચ વાર પણ મોઢું નથી બતાવ્યું - પાણીની ટાંકી, લાઈબ્રેરી અને સ્મશાન જેવી સુવિધાઓનો પણ અભાવ
- "વરસાદ પહેલા રોડ બને અને વરસાદમાં ધોવાઈ જાય" - સોશિયલ મીડિયા પર ફોટા પડાવતા નેતાઓ સામે યુવાનોમાં આક્રોશ
- ૨૧૦ સોસાયટીઓમાં કામગીરીના દાવા કેટલા સાચા? - સેફ્ટી ગ્રીલ વગરની કેનાલ અને ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ૨૬ એપ્રિલે યોજાનારી ચૂંટણી પૂર્વે શહેરના વોર્ડ નંબર ૪૬, લાંભામાં રાજકીય માહોલ ગરમાયો છે. જોકે, આ ગરમાવો પ્રચારનો નહીં પણ જનતાના આક્રોશનો છે. 'દિવ્ય ભાસ્કર' ના ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યું છે કે લાંભાના રહીશો છેલ્લા પાંચ વર્ષથી પાયાની સુવિધાઓ માટે ઝઝૂમી રહ્યા છે અને ચૂંટાયેલા કોર્પોરેટરો સામે તેમનો મિજાજ અત્યંત કડક જોવા મળી રહ્યો છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ભાજપના કોર્પોરેટરો પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન પાંચ વાર પણ વિસ્તારની મુલાકાતે આવ્યા નથી. યુવાનોમાં ખાસ કરીને લાઈબ્રેરી, જિમ્નેશિયમ અને સરકારી હોલ જેવી સુવિધાઓ ન હોવાને કારણે ભારે નારાજગી છે. સ્થાનિક એડવોકેટ અરબાઝ ખાન પઠાણે સુરક્ષાના મુદ્દે સવાલ ઉઠાવતા કહ્યું કે, વિસ્તારમાંથી પસાર થતી કેનાલની આસપાસ કોઈ સેફ્ટી ગ્રીલ નથી અને ગંદકીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.
લાંભા વોર્ડમાં રસ્તાઓની હાલત પણ દયનીય છે. સ્થાનિક યુવાન દક્ષેશના મતે, "વરસાદ પહેલા રસ્તા બને છે અને પહેલા જ વરસાદમાં તે તૂટી જાય છે." લોકોનો આક્ષેપ છે કે નેતાઓ માત્ર ખેસ પહેરીને ખાત મુહૂર્ત કરવા અને સોશિયલ મીડિયા પર ફોટા મૂકવામાં જ વ્યસ્ત રહ્યા છે. વોર્ડ કોંગ્રેસ પ્રમુખ ઘનશ્યામભાઈએ આક્ષેપ કર્યો હતો કે ૨૦૧૦માં આ વિસ્તારનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ થયો હોવા છતાં આજે પણ પીવાના પાણીની ટાંકી કે સ્મશાન જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી થઈ નથી.
બીજી તરફ, આ આક્ષેપો સામે લાંભા વોર્ડના પૂર્વ કોર્પોરેટર ચાંદની પટેલે બચાવ કરતા જણાવ્યું હતું કે, તેમણે ૨૧૦ સોસાયટીઓમાં પાણી, ડ્રેનેજ અને લાઈટ માટે પાંચ વર્ષમાં આશરે ૧.૪૪ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે, જે લોકભાગીદારી સાથે મળીને અંદાજે ૭.૨૪ કરોડના કામો થયા હોવાનો દાવો છે. જોકે, પૂર્વ કોર્પોરેટરના આ આંકડાઓ સામે જનતાના સવાલો હજુ પણ અકબંધ છે.
લાંભા વોર્ડ જ્યાંથી વડોદરા એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે, તેવો મહત્વનો વિસ્તાર હોવા છતાં ટ્રાફિક અને બિસ્માર રસ્તાઓની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આગામી ચૂંટણીમાં મતદારો આ રોષને મતમાં પરિવર્તિત કરે છે કે નેતાઓના વાયદાઓ પર ફરી વિશ્વાસ મૂકે છે, તે જોવું રસપ્રદ રહેશે.