વિશાખાપટ્ટણમમાં ગૂગલના ડેટા સેન્ટર સામે ભારે વિરોધ.
-
આંધ્ર પ્રદેશમાં ૧.૩ લાખ કરોડનું એઆઈ હબ.
-
જંગલો કાપવાના આક્ષેપ વચ્ચે બાંધકામની કામગીરી શરૂ.
-
પાણીના વપરાશ અને પર્યાવરણ અંગે ઉઠ્યા પ્રશ્નો.
સિટી ન્યુઝ @ વિશાખાપટ્ટણમ
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટણમમાં ગૂગલ દ્વારા આશરે ૧.૩ લાખ કરોડ રૂપિયાના ખર્ચે વિશાળ AI હબ અને ડેટા સેન્ટર પ્રોજેક્ટનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ત્રણ કેમ્પસ બનાવવામાં આવશે, જેના માટે રાજ્ય સરકારે ૩ ગામોની ૫૮૬ એકર જમીન ફાળવી છે અને અદાવિવરમ-મુદાસરલોવા ગામમાં તેનું કામ પણ શરૂ થઈ ચૂક્યું છે.
જોકે, આ પ્રોજેક્ટ શરૂ થતાંની સાથે જ વિવાદોમાં ઘેરાયો છે. ૧૬૦ એકરમાં જંગલ કાપવા અને જમીન સમતલ કરવા માટે પહાડો કાપવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ વિસ્તાર વન્યજીવ અભયારણ્ય અને જળાશયની નજીક હોવાથી પર્યાવરણવિદો દ્વારા પ્રોજેક્ટનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સ્થાનિક ગ્રામવાસીઓનું કહેવું છે કે આ જમીન તેમની આજીવિકાનો મુખ્ય આધાર હતી. તરલુવાડાના ભૂતપૂર્વ સરપંચ પાયલા કોંડમ્મા અને ખેડૂત અપ્પલારાજુએ આક્ષેપ કર્યો છે કે સર્વે સમયે જમીન તેમની જ રહેશે તેવી ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હવે વર્ષો પહેલાં ફાળવેલી જમીન પણ પરત લઈ લેવામાં આવી રહી છે.
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં પાણીનો વપરાશ, પર્યાવરણીય મંજૂરી અને સ્થાનિક લોકોને રોજગારી જેવા ત્રણ મુખ્ય મુદ્દા ચર્ચાના કેન્દ્રમાં છે. ગૂગલે સ્પષ્ટતા કરી છે કે તેણે પાણીના જોખમનું મૂલ્યાંકન કરીને કૂલિંગ માટે અદ્યતન એર-કૂલિંગ ટેક્નોલોજી પસંદ કરી છે, જેથી લિક્વિડ કૂલિંગની સરખામણીમાં પાણીનો વપરાશ ઘટી શકે.
બાંધકામનું કામ એપ્રિલ ૨૦૨૬માં શરૂ થયું છે અને કંપનીના જણાવ્યા અનુસાર તે ૨૦૨૮ સુધીમાં કાર્યરત થઈ જશે. આ હબમાં મોટા ડેટા સેન્ટરો અને સમુદ્રની નીચે બિછાવવામાં આવનારા ઇન્ટરનેટ કેબલોનું નેટવર્ક સામેલ હશે, પરંતુ પર્યાવરણ અને સ્થાનિકોના અધિકારોને લઈને હાઈકોર્ટમાં પણ મામલો પહોંચ્યો છે.
ગૂગલના ડેટા સેન્ટર પ્રોજેક્ટ સામે વિરોધ
વિશાખાપટ્ટણમમાં આકાર લઈ રહેલા ૧.૩ લાખ કરોડ રૂપિયાના ગૂગલના વિશાળ AI ડેટા સેન્ટર પ્રોજેક્ટ સામે પર્યાવરણવિદો અને સ્થાનિક ગ્રામવાસીઓએ મોરચો ખોલ્યો છે. જંગલો અને પહાડો કાપવાને કારણે પર્યાવરણને નુકસાન થવાની આશંકા છે, જ્યારે ગૂગલે પાણી બચાવવા એર-કૂલિંગ ટેક્નોલોજી અપનાવવાની દલીલ કરી છે.