બ્રાઝિલમાં Gen-Z યુવાનોનું આક્રમક આંદોલન શરૂ થયું
-
પિતા જેલમાં અને પુત્ર ચૂંટણીની ગાદી તરફ
-
બ્રાઝિલ અમેરિકાની વસાહત બની જશે તેવી આશંકા
-
પચાસ ટકા વોટ ન મળતા ફરી ટક્કર થશે
સિટી ન્યુઝ @રિયો ડિ જેનેરો
ફ્રાન્સ પછી હવે દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝિલ પણ એક મોટા 'Gen-Z આંદોલન' માંથી પસાર થઈ રહ્યો છે, જ્યાં દેશની યુવા પેઢી કથિત રીતે દક્ષિણપંથના વિરોધમાં રસ્તા પર ઉતરી આવી છે. આ યુવાનો પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના પુત્ર અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ફ્લાવિયો બોલ્સોનારો સામે પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કરી રહ્યા છે. રાજધાની રિયો ડિ જેનેરોમાં હજારોની સંખ્યામાં યુવાનોએ માર્ચ કરીને બ્રાઝિલમાં દક્ષિણપંથી વિચારધારાના વધતા પ્રભાવ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેને Gen-Z નું આંદોલન કહેવામાં આવી રહ્યો છે.
આ ચૂંટણીમાં દક્ષિણપંથી સેનેટર ફ્લાવિયો બોલ્સોનારોએ દેશના રાષ્ટ્રપતિ ચૂંટણીના પ્રથમ તબક્કામાં 47 ટકા મત મેળવીને સૌથી વધુ સમર્થન પ્રાપ્ત કર્યું હતું, જ્યારે તેમના નજીકના પ્રતિદ્વંદ્વી અને વર્તમાન ડાબેરી રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિઓ લૂલા ડા સિલ્વાને 45 ટકા મત મળ્યા હતા. નોંધનીય છે કે ફ્લાવિયોના પિતા અને પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો હાલ ભ્રષ્ટાચારના ગંભીર આરોપો હેઠળ જેલમાં બંધ છે. રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી 50 ટકા મત કોઈને ન મળવાના કારણે હવે આગામી 25 ઓક્ટોબરે બંને વચ્ચે વધુ એક નિર્ણાયક ટક્કર થશે.
ડોઇચે વેલેના રિપોર્ટ મુજબ 20 વર્ષના સાહિત્યના વિદ્યાર્થી જોઆઓ વિક્ટર વિએરાએ જણાવ્યું હતું કે જો બોલ્સોનારો જીતશે, તો બ્રાઝિલ અમેરિકાની વસાહત બની જશે. યુવાનોમાં એવો ડર વ્યાપેલો છે કે બોલ્સોનારોની વિચારધારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ખૂબ મળતી આવે છે. પ્રદર્શનકારીઓએ હાથમાં "બોલ્સોનારો ક્યારેય નહીં", "પિતાને નહીં, પુત્રને પણ નહીં" તેમજ "મુખત્યારશાહી ક્યારેય નહીં" લખેલા પોસ્ટર્સ અને બેનરો પકડીને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
આ આંદોલનમાં ભાગ લેનાર 25 વર્ષની એલિસ કાર્નેઇરોએ જણાવ્યું કે તે લોકશાહીમાં વિશ્વાસ રાખે છે અને દક્ષિણપંથી સરકાર સત્તામાં આવવાથી પોતાની પત્ની જે ટ્રાન્સજેન્ડર છે તેની સુરક્ષા માટે ડરેલી છે. યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહેલા 19 વર્ષના ઇમેન્યુઅલ અરાઉજોએ કહ્યું કે બ્રાઝિલમાં દક્ષિણપંથી વિચારધારાનું વધવું દુઃખદ છે, અને ભલે લૂલા તેમની પહેલી પસંદગી ન હોય પરંતુ બર્બરતા સામે બોલવાનો અધિકાર બચાવવા માટે તેમણે લડવું પડશે.
બ્રાઝિલમાં વિચારધારાની આ અત્યંત તીવ્ર લડાઈ વચ્ચે હવે સમગ્ર દેશની નજર આગામી 25 ઓક્ટોબરના મતદાન પરીક્ષામો પર કેન્દ્રિત થઈ છે. યુવાનો દ્વારા શરૂ કરાયેલું આ Gen-Z આંદોલન બ્રાઝિલના રાજકારણમાં એક નવો અને મોટો વળાંક લાવશે તે નક્કી છે.
આંતરરાષ્ટ્રીય રાજકારણ અને યુવા આંદોલન
લોકશાહીના રક્ષણ અને નાગરિક અધિકારો માટે યુવા પેઢી દ્વારા શરૂ કરાયેલા વિરોધ પ્રદર્શનો દેશની રાજકીય દિશા બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.