Loading Please Wait !!!
ધોરણ-10ના પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે તક: ગુણચકાસણીની પ્રક્રિયા શરૂ

  • 15 મે સુધી ઓનલાઇન અરજી કરી શકાશે; gseb.org પર રજીસ્ટ્રેશન ફરજિયાત
  • ઓફલાઇન અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં; નિયત ફી પણ ઓનલાઇન ભરવાની રહેશે
  • SBI ePay સિસ્ટમ દ્વારા ફી ભરી શકાશે; મોડી અરજીઓ પર બોર્ડ વિચારણા કરશે નહીં

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગત 6 મેના રોજ ધોરણ-10 (SSC) નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે બોર્ડનું કુલ પરિણામ 83.86% નોંધાયું છે. જોકે, જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી સંતુષ્ટ નથી અથવા જેમને પોતાના ગુણની પુનઃ ચકાસણી કરાવવી છે, તેમના માટે બોર્ડ દ્વારા ગુણચકાસણી (Re-verification) ની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જઈને આ અંગે ઓનલાઇન અરજી કરી શકશે.

બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ, ગુણચકાસણી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા 8 મે 2026થી જ શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ 15 મે 2026ના રોજ સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ ભરી શકશે. ખાસ નોંધનીય બાબત એ છે કે, આ પ્રક્રિયા માટે માત્ર ઓનલાઇન માધ્યમથી જ અરજી સ્વીકારવામાં આવશે. ટપાલ કે અન્ય કોઈ પણ ઓફલાઇન માધ્યમથી કરવામાં આવેલી અરજીઓને બોર્ડ દ્વારા માન્ય રાખવામાં આવશે નહીં, જેની વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખાસ નોંધ લેવી.

અરજી માટેની નિયત ફીની ચુકવણી પણ ઓનલાઇન કરવાની રહેશે. શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓની સુવિધા માટે SBI ePay સિસ્ટમનો વિકલ્પ આપ્યો છે, જેના દ્વારા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી ફી ભરી શકાશે. જે વિદ્યાર્થીઓ ઓનલાઇન પેમેન્ટ કરવા સક્ષમ નથી અથવા રોકડથી ફી ભરવા માંગતા હોય, તેઓએ વેબસાઈટ પર "SBI Branch Payment" ઓપ્શન પસંદ કરીને ચલણ જનરેટ કરવાનું રહેશે અને ત્યારબાદ દેશની કોઈપણ SBI શાખામાં ફી જમા કરાવી શકાશે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ધોરણ-10ના પરિણામમાં નર્મદા જિલ્લો 90.85% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે રાજ્યભરમાં કુલ 35,508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. પરિણામ જાહેર થયા બાદ ઘણા વિદ્યાર્થીઓ એક કે બે વિષયમાં ગુણ ઓછા હોવાની ફરિયાદ કરતા હોય છે, જેમના માટે આ ગુણચકાસણીની પ્રક્રિયા આશીર્વાદરૂપ સાબિત થાય છે. બોર્ડના સચિવે તમામ શાળાના આચાર્યોને સૂચના આપી છે કે તેઓ વિદ્યાર્થીઓને આ પ્રક્રિયા વિશે માહિતગાર કરે અને સમયમર્યાદામાં કાર્યવાહી પૂર્ણ કરવા પ્રોત્સાહિત કરે.

15 મેના રોજ સાંજે 5 વાગ્યા બાદ પોર્ટલ બંધ થઈ જશે, તેથી છેલ્લી ઘડીની ભીડ ટાળવા વિદ્યાર્થીઓને વહેલી તકે અરજી કરવા જણાવાયું છે. ગુણચકાસણી બાદ જો ગુણમાં કોઈ ફેરફાર જણાશે, તો બોર્ડ દ્વારા સુધારેલી માર્કશીટ ઇશ્યૂ કરવામાં આવશે. આ પ્રક્રિયા બાદ જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેમના માટે પૂરક પરીક્ષાનું આયોજન પણ આગામી દિવસોમાં કરવામાં આવશે, જેની વિગતવાર જાહેરાત બોર્ડ દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે.