Loading Please Wait !!!
કેનેડામાં 12 કરોડના ગાંજાની ચોરી: ભારતીય મૂળના 5 યુવકોની ધરપકડ, કુલ 33 આરોપ લાગ્યા

  • લાઈસન્સ પ્રાપ્ત ગાંજાના જથ્થાની કરી હતી લૂંટ; બ્રેમ્પટન અને હેમિલ્ટનના રહેવાસીઓ સામે ગુનો દાખલ.
  • ચોરાયેલી મિલકત અને હથિયારો રાખવા સહિતના ગંભીર આરોપો; મોટા નેટવર્કની આશંકા.
  • નાયગ્રા પ્રદેશમાંથી લૂંટાયેલું ટ્રેલર મિસિસૌગા પાસેથી મળ્યું; 15 એપ્રિલની ઘટનાનો પર્દાફાશ.

સિટી ન્યૂઝ @ ઓન્ટારિયો: કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં કાયદેસરના ગાંજા (કેનાબિસ)ના ઉત્પાદનો ભરેલા ટ્રેલરની ચોરીના ચકચારી કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. આશરે 20 લાખ કેનેડિયન ડૉલર એટલે કે ભારતીય ચલણમાં અંદાજે 12 કરોડ રૂપિયાની કિંમતના માલની ચોરીના આરોપમાં ભારતીય મૂળના પાંચ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે કેનેડામાં વસતા ભારતીય સમુદાયમાં ખળભળાટ મચી ગયો છે.

અહેવાલ મુજબ, આ ટ્રેલર નાયગ્રા પ્રદેશમાંથી ચોરાયું હતું. તેમાં મોટી માત્રામાં કાયદેસર રીતે વેચાણ માટે તૈયાર કરાયેલા ગાંજાના ઉત્પાદનો હતા, જે ઓન્ટારિયોના વિવિધ લાઇસન્સ પ્રાપ્ત દવાખાનાઓમાં સપ્લાય કરવાના હતા. કેનેડામાં ગાંજાનું વેચાણ અને સેવન કાયદેસર હોવાથી આ એક મોટો વ્યાપારી જથ્થો હતો, જે નિયત સ્થળે ડિલિવરી થાય તે પહેલા જ હાઇવે પરથી લૂંટી લેવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટના 15 April ના રોજ ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મિસિસૌગામાં મેકલોફલિન રોડ અને હાઇવે 401 પાસે શંકાસ્પદ હિલચાલ દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓને લૂંટાયેલું ટ્રેલર મળી આવ્યું હતું અને સ્થળ પરથી પાંચ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હતી. તેમની તલાશી લેતા પોલીસને તેમની પાસેથી બે ગેરકાયદે હથિયારો પણ મળી આવ્યા હતા, જે લૂંટમાં વપરાયા હોવાની આશંકા છે.

ધરપકડ કરાયેલા શંકાસ્પદોની ઓળખ મનવીર સિંહ (21), સરબજીત સિંહ (32), દિલખાબ સિંહ (21), જયસ્કવન માલ્હી (23) અને કરણ કુમાર (25) તરીકે થઈ છે. પોલીસના જણાવ્યાનુસાર, કરણ કુમાર હેમિલ્ટનનો રહેવાસી છે, જ્યારે અન્ય ચાર શંકાસ્પદો બ્રેમ્પટનના રહેવાસી છે. પોલીસે પાંચેય આરોપીઓ સામે મિલકતની ચોરી, ચોરાયેલી મિલકતનો ગેરકાયદે કબજો રાખવો અને પ્રતિબંધિત હથિયારો રાખવા સહિતના કુલ 33 ગંભીર ગુનાઓ હેઠળ કેસ દાખલ કર્યો છે.

યોર્ક પ્રાદેશિક પોલીસના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કેસમાં કોઈ મોટું નેટવર્ક સામેલ હોવાની આશંકા છે અને હાલ તપાસ તેજ કરી દેવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ પાસે આ ઘટના અંગે વધારાની માહિતી હોય તો તેઓ ક્રાઈમ સ્ટોપર્સનો સંપર્ક કરી સહકાર આપે. વિદેશમાં ભારતીય મૂળના યુવાનોના આવા ગુનાહિત કૃત્યોથી ફરી એકવાર સ્થાનિક સ્તરે સુરક્ષા અને સભ્યતાના પ્રશ્નો ઉભા થયા છે.