વેકેશન બેચ મામલે વિરોધ ખાનગી શાળાઓ બેકફૂટ પર
- CM પોર્ટલ અને DEO કચેરીએ ફરિયાદોનો મારો ચાલતા સંચાલક મંડળ ઝૂક્યું
- વેકેશનમાં ક્લાસ ચાલુ રાખનાર શાળાઓ સામે કોંગ્રેસે હલ્લાબોલની ચીમકી ઉચ્ચારી
- શનિવારથી શહેરની તમામ ખાનગી શાળાઓ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ શહેર અને જિલ્લામાં 'વેકેશન બેચ' ના નામે ખાનગી શાળાઓ દ્વારા સરકારના જાહેર કરાયેલા વેકેશનનો ભંગ કરીને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલુ રાખવાના મુદ્દે ભારે વિવાદ ઉભો થયો હતો. આ મુદ્દે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ કડક રજૂઆત કરી હતી. સતત વધતા વિરોધ અને દબાણ વચ્ચે આખરે રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળે મહત્વપૂર્ણ નિર્ણય લઈ આવતી શનિવારથી તમામ ખાનગી શાળાઓ સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરી છે.
અનેક શાળાઓમાં ખાસ કરીને ધોરણ 10 અને 12 બાદ વેકેશન બેચના નામે વિદ્યાર્થીઓને બોલાવી વધારાની ફી ઉઘરાવવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા.
કોંગ્રેસે આ સમગ્ર મામલાને શિક્ષણના વ્યાપારીકરણ સાથે જોડીને વિદ્યાર્થીઓ પર વધારાના માનસિક દબાણનો મુદ્દો ઉઠાવ્યો હતો. વેકેશનનો હેતુ વિદ્યાર્થીઓને માનસિક અને શારીરિક આરામ આપવાનો છે, પરંતુ કેટલાક ફી લાલચુ શાળા સંચાલકો વેકેશનને પણ કમાણીનું સાધન બનાવી રહ્યા હતા.
નવાઈની બાબત એ છે કે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ ગઈકાલે વેકેશન અંગે પરિપત્ર જાહેર કર્યો હોવા છતાં તેમાં ક્યાંય સ્પષ્ટ ઉલ્લેખ નહોતો કે વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય શરૂ રાખી શકાશે નહીં અથવા નિયમ ભંગ બદલ કડક કાર્યવાહી થશે. DEO ની આ નબળી કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સતત વિરોધ છતાં શિક્ષણ તંત્ર શાળા સંચાલકો સામે કેમ નરમ વલણ અપનાવી રહ્યું હતું તે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, વિદ્યાર્થીઓ અને વાલીઓએ CM પોર્ટલ અને DEO કચેરીએ ફરિયાદોનો મારો ચલાવતા સંચાલકોને ઝૂકવું પડ્યું છે.
હજુ કોઈ શાળા ચાલુ રહેશે તો હલ્લાબોલ કરીશું
આ અંગે કોંગ્રેસના નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આ નિર્ણય એ વિદ્યાર્થીઓના હક્કોની જીત છે. વિદ્યાર્થીઓને બળજબરીથી પૈસાની લાલચે શિક્ષણ આપવું તે કદાપિ ચલાવી લેવાય નહીં. આ નિર્ણય સંચાલક મંડળે વિદ્યાર્થીઓના ભારે વિરોધ બાદ લીધો છે, જો કે આ અંગેની કડકાઈપૂર્વક સ્પષ્ટતા જિલ્લા શિક્ષણાધિકારીએ કરવાની જરૂર હતી. જો હજુ પણ કોઈ શાળા વેકેશનમાં શરૂ રાખવાની ફરિયાદ અમને મળશે તો અમે ત્યાં જઈને ઉગ્ર હલ્લાબોલ કરીશું તેવી સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે.