રાજકોટ બન્યું દેશનું સૌથી ગરમ શહેર : તંત્રએ પાણી-છાંયડાની વ્યવસ્થા વધારી
- હીટવેવનો હાહાકાર : ડિ હાઈડ્રેશન-હિટસ્ટ્રોકના કેસ વધ્યા
- ગરમીથી પશુ-પક્ષીઓ પણ અકળાયા તાપનું એલર્ટ જાહેર
- ORS, છાશ અને પાણીની વ્યવસ્થા તાબડતોડ કરવા સૂચના
સિટી ન્યૂઝ@રાજકોટ : દેશના સર્વાધિક ગરમ શહેરોમાં પણ તાપમાન ઘટ્યું છે પરતું ગુજરાતની ગરમી યથાવત છે.ગઈકાલે દેશમાં સૌથી ઉચ્ચું તાપમાન રાજકોટમાં નોંધાયું છે. હાલમાં આકરી ગરમી પડી રહી છે અને સમયાંતરે હીટવેવની આગાહીઓ વ્યક્ત કરવામાં આવે છે, ત્યારે નાગરિકોને તકલીફ ન પડે તે માટે સરકારી કચેરીઓ કે જાહેર સ્થળો પર છાંયડો, પાણી સહિતની વ્યવસ્થાઓ કરવા જિલ્લા કલેક્ટર તંત્ર તરફથી વિવિધ વિભાગોને સૂચના આપવામાં આવી છે.
હાલમાં જ હીટવેવ એક્શન પ્લાન અંગેની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં નિવાસી અધિક કલેક્ટર એન. કે. મુછાર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે, વિવિધ તાલુકાઓમાં આવેલી સરકારી કચેરીઓ સહિત, જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ, પ્રવાસન સ્થળો, શાળાઓ, બાંધકામ સાઇટ વગેરે તમામ જગ્યા પર પીવાનું પાણી, જરૂરી દવાઓ, ઓ.આર.એસ. તથા છાંયડો વગેરે વ્યવસ્થા કરવી. પશુઓ માટે પણ ઠંડી છત અને છાંયડો, પાણી વગેરે સુવિધા પૂરી પાડવા સુચના અપાઈ છે.મહત્વનું છે કે, હીટવેવ દરમિયાન ફૂડ પોઇઝનિંગના કેસો પણ વધતા હોય છે. આથી જરૂરી મેડિકલ ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરવા, કામકાજના સ્થળોએ મજૂરોને જરૂરી હેલ્થ ચેકઅપ સહિતની વ્યવસ્થા પૂરી પાડવા જણાવાયું હતું. હીટવેવના કારણે કોઈ માનવ મૃત્યુ નોંધાય તો તે અંગે અત્રેની કચેરીના કંટ્રોલ રૂમ પર તાત્કાલિક જાણ કરવા જણાવાયું હતું.
ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયાથી ભારે હીટવેવના કારણે ડિહાઈડ્રેશન અને હીટસ્ટ્રોકના કારણે પશુથી લઇ માનવી પણ અકળાયા છે અને રાત્રીના બફારાના કારણે લોકોની નિંદર હરામ થઇ ગઈ છે.
સામાજિક સંસ્થાઓને છાશ- લીંબુ પાણી વિતરણ કરવા સુચના
આ ઉપરાંત સ્થાનિક દાતાઓ, સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ. દ્વારા કામદારોને છાશ, લીંબુ પાણી વિતરણ કરવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા કરવા તેમજ હીટવેવની આગાહી કે તે અંગે જારી થતી સૂચનાઓ મુજબ જરૂરી પગલાં લેવા જણાવાયું હતું.
શાળામાં બાળકોને હીટવેવથી બચાવવા સુચના
તમામ શાળાઓમાં શિક્ષકોની મદદથી બાળકોને હીટવેવ અને તેનાથી થતી અસરો અને બચાવના ઉપાયો વિશે સમજણ આપવા જણાવાયું હતું. તેમજ શાળામાં પાણીની વ્યવસ્થા, છાંયડો, પ્રાથમિક સારવાર કિટ ઉપલબ્ધ રાખવા તથા જરૂર જણાયે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના સંકલનમાં રહી શાળાના સમયમાં જરૂરી ફેરફાર કરવા પણ જણાવાયું હતું.
બાંધકામ સાઈટ પર આરામ શેડ્સ બચાવવા સુચના
મનરેગા સાઇટ તેમજ બાંધકામ સાઇટ્સ પર મજૂરી કામમાં રોકાયેલા તમામ કામદારો માટે આરામના શેડ્સ, પીવાનું સ્વચ્છ પાણી, ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન, સમર કેપ્સ પૂરી પાડવા, ગરમીની મોસમમાં મૃત્યુના તમામ કારણો અને હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ પર દેખરેખ રાખવા ખાસ સૂચના અપાઈ હતી.