Loading Please Wait !!!
IPL 2026 ફાઈનલ હવે અમદાવાદમાં: બેંગલુરુએ છેલ્લી ઘડીએ યજમાની ગુમાવી

  • ટિકિટ વિવાદને કારણે BCCI એ લીધો મોટો નિર્ણય; નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ખિતાબી જંગ
  • પ્લેઓફ માટે ધર્મશાલા અને ન્યૂ ચંદીગઢની પસંદગી; ટિકિટ મેનેજમેન્ટના પ્રશ્ને બેંગલુરુ આઉટ
  • લોજિસ્ટિકલ કારણોસર પ્લેઓફના સ્થળોમાં ફેરફાર; ક્વોલિફાયર-1 ની યજમાની ધર્મશાલાને

સિટી ન્યૂઝ @ અમદાવાદ: આઈપીએલ 2026ની ફાઈનલ મેચના સ્થળને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે આઈપીએલનો નિયમ રહ્યો છે કે ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ પર ફાઈનલ રમાય છે, જે મુજબ આ વખતે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને યજમાની મળવાની હતી. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મોટો ફેરફાર કરતા હવે ગ્રાન્ડ ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજવાની જાહેરાત કરી છે. આગામી 31 મેના રોજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આ ખિતાબી જંગ રમાશે.

બેંગલુરુ આ રેસમાં સૌથી આગળ હોવા છતાં છેલ્લી ઘડીએ યજમાની ગુમાવવાનું મુખ્ય કારણ ટિકિટ વિવાદ હોવાનું મનાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટિકિટોના વેચાણ અને તેના મેનેજમેન્ટ ઇશ્યુઝને ધ્યાનમાં રાખીને BCCI એ આ કડક નિર્ણય લીધો છે. બેંગલુરુના સ્થાનિક એસોસિએશન દ્વારા કેટલીક એવી માંગણીઓ મૂકવામાં આવી હતી જે બોર્ડના નિર્ધારિત પ્રોટોકોલની બહાર હોવાથી અંતે સ્થળ બદલવાની ફરજ પડી છે. BCCI એ આ નિર્ણય પાછળ ઓપરેશનલ અને લોજિસ્ટિકલ કારણોને પણ જવાબદાર ગણાવ્યા છે.

માત્ર ફાઈનલ જ નહીં, પરંતુ પ્લેઓફની મેચો માટે પણ નવા સ્થળોની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે પ્લેઓફ મેચો ત્રણ અલગ-અલગ શહેરોમાં યોજાશે. શેડ્યૂલ મુજબ, ક્વોલિફાયર-1 મેચ ધર્મશાલામાં રમાશે, જ્યારે એલિમિનેટર અને ક્વોલિફાયર-2 મેચો ન્યૂ ચંદીગઢમાં યોજવામાં આવશે. આ ફેરફારને કારણે પ્લેઓફની લડાઈ વધુ રોમાંચક બનવાની આશા છે કારણ કે ટીમોએ અલગ-અલગ વાતાવરણ અને મેદાન પર પોતાનું કૌશલ્ય સાબિત કરવું પડશે.

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અગાઉ પણ અનેક હાઈ-પ્રોફાઈલ મેચોનું સફળતાપૂર્વક આયોજન કરી ચૂક્યું છે. 1.32 લાખથી વધુ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં ફાઈનલ રમાવાથી BCCI ને પણ મોટી આવકની અપેક્ષા છે. ક્રિકેટ રસિકો માટે આ મોટા સમાચાર છે કારણ કે અમદાવાદમાં ફરી એકવાર આઈપીએલનો ભવ્ય સમારોહ અને ફાઈનલ જોવા મળશે. ટિકિટ વિવાદે ભલે બેંગલુરુ પાસેથી તક છીનવી લીધી હોય, પણ અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

IPL 2026 ની આ સિઝન તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે ત્યારે પ્લેઓફના નવા સ્થળોની જાહેરાતથી ટીમોની રણનીતિ પર પણ અસર પડશે. ધર્મશાલાનું હાઈ-એલ્ટિટ્યુડ મેદાન હોય કે ન્યૂ ચંદીગઢની નવી પિચ, ખેલાડીઓ માટે નવા પડકારો હશે. જોકે, સૌની નજર તો 31 મેના રોજ અમદાવાદમાં રમાનારી મેગા ફિનાલે પર જ રહેશે, જ્યાં આ સિઝનની ચેમ્પિયન ટીમ નક્કી થશે.