Loading Please Wait !!!
એલોન મસ્કે અંબાણીને વડાપ્રધાન તરીકે સંબોધ્યા સ્ટારલીંકને ભારતમાં એન્ટ્રી ન મળતા વિવાદ

 

  • રાહુલ ગાંધીએ પણ મસ્કની તરફેણ કરી

  • બાળકો અને નાના વેપારીઓ માટે ઇન્ટરનેટ

  • રિલાયન્સ સંલગ્ન કંપનીઓના ડોનેશનના રીપોર્ટ

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

દુનિયાના સૌથી મોટા ધનવાન અને અમેરિકી ઉદ્યોગપતિ એલોન મસ્કની સેટેલાઈટ કંપની સ્ટારલીંકને ભારતમાં સરળતાથી એન્ટ્રી મળતી ન હોવાના મામલે હવે તેમણે ભારતના ટોચના ઉદ્યોગપતિ અંબાણીને સીધા નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. સતત બીજા દિવસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આક્રમક પોસ્ટ મૂકીને તેમણે અંબાણીને કટાક્ષમાં વડાપ્રધાન તરીકે સંબોધ્યા હતા અને તેમની કંપનીઓ દ્વારા સત્તાધારી ભાજપ પક્ષને અપાયેલા જંગી ડોનેશનનો પણ ખુલ્લેઆમ ઉલ્લેખ કર્યો હતો.

એલોન મસ્કે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટના શીર્ષકમાં `ડીયર પ્રાઇમ મીનીસ્ટર અંબાણી' (માનનીય વડાપ્રધાન અંબાણી) લખીને અત્યંત આકરા કટાક્ષ સાથે વૈશ્વિક સ્તરે સનસનાટી મચાવી દીધી છે. પોસ્ટમાં આગળ તેમણે લખ્યું હતું કે ભારતના વાસ્તવિક બોસ તમે હોવાની હકીકત સમજી ન શકવા બદલ દિલગીરી સ્વીકારવા નમ્ર અરજ છે અને દેખીતી રીતે તમે મહાન રાષ્ટ્ર ભારતના લોકોનું મોનોપોલી રાખીને શોષણ કરવાનું વલણ અપનાવી રહ્યા છો પરંતુ સ્ટારલીંકને મંજૂરી આપીને સ્પર્ધામાં ઉતરવા દેવા માગતા નથી.

મસ્કે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં અનેક એવા દુર્ગમ ક્ષેત્રો છે, જેમ દુનિયાના તમામ વિકાસશીલ દેશોમાં હોય છે, જ્યાં આજદિન સુધી ઇન્ટરનેટ સુવિધા પહોંચી શકી નથી અને તેના કારણે ત્યાંના બાળકો શિક્ષણના સાચા લાભથી તથા નાના વેપારીઓ વિશ્વબજારમાં પોતાના માલ વેચવાની સોનેરી તક મેળવી શકતા નથી, જ્યારે તેમની કંપની સ્ટારલીંક આ તમામ લોકોનું જીવન વધુ બહેતર બનાવી શકે તેમ છે.

આ સનસનાટીભરી પોસ્ટ પૂર્વે ગઇકાલે મૂકવામાં આવેલી પોસ્ટમાં પણ તેમણે અંબાણીને ભારતના રીયલ બોસ ગણાવ્યા હતા, અને આ વિવાદ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પણ મસ્કની તરફેણ કરીને સરકાર સામે વધુ એક કટાક્ષ કરતી પોસ્ટ મૂકી હતી, જે બદલ મસ્કે જાહેરમાં રાહુલનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ સોશિયલ મીડિયા વોરથી રાજકીય અને કોર્પોરેટ જગતમાં ભારે ગરમાવો આવી ગયો છે.

એલોન મસ્ક દ્વારા ત્યારબાદ એક વધારાની માહિતી આપતી પોસ્ટ પણ મૂકવામાં આવી હતી, જેમાં રિલાયન્સ સંલગ્ન કંપનીઓ દ્વારા રાજકીય પક્ષો ખાસ કરીને ભાજપને આપવામાં આવેલા ડોનેશનના અગાઉના ન્યૂઝ રીપોર્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. દુનિયાના આ ટોચના ઉદ્યોગપતિની કંપનીને ભારતમાં લાઇસન્સ કે મંજૂરી મેળવવામાં નડતરરૂપ બનતી પરિસ્થિતિઓ સામેનો તેમનો આ રોષ આગામી સમયમાં કેવા રંગ લાવશે તે જોવું રસપ્રદ રહેશે.

કોર્પોરેટ વિવાદ અને સેટેલાઈટ ઇન્ટરનેટ

વૈશ્વિક સ્તરના ઉદ્યોગપતિઓ વચ્ચે બજાર પર કબજો જમાવવા અને નવી ટેકનોલોજીના પ્રવેશ માટે ચાલતી સ્પર્ધા ઘણીવાર આ પ્રકારના જાહેર વિવાદોનું રૂપ ધારણ કરી લેતી હોય છે.