ક્રાઈમ શો હોસ્ટ સારા ખલીફા પોતે જ ડ્રગ્સ માફિયા નીકળી: ઈજિપ્તની કોર્ટે ફટકારી ફાંસીની સજા
-
39 વર્ષીય ટીવી એન્કર સારા ખલીફા પર આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સ નેટવર્ક ચલાવવાનો સાબિત થયો આરોપ
-
વિદેશથી કાચો માલ લાવી કાહિરાના ફ્લેટમાં ફેક્ટરી બનાવી ડ્રગ્સ બનાવતી ગેંગનો પર્દાફાશ
-
દરોડા દરમિયાન 750 કિલો ડ્રગ્સ ઉપરાંત ગેરકાયદે રિવોલ્વર અને વિસ્ફોટકો પણ કરાયા જપ્ત
સિટી ન્યુઝ @ કૈરો
ઈજિપ્તની અદાલતે દેશની અત્યંત લોકપ્રિય ટીવી એન્કર સારા ખલીફા તેમજ તેના અન્ય 11 સાથીદારોને ગેરકાયદે નશીલા પદાર્થો બનાવવા અને તેની હેરાફેરી કરવાના કેસમાં દોષિત ઠેરવીને ફાંસીની સજા સંભળાવી છે. ટેલિવિઝન પર 'મિશન ઈમ્પોસિબલ' નામનો લોકપ્રિય ક્રાઈમ શો હોસ્ટ કરીને ગુનાખોરી વિરુદ્ધ અવાજ ઉઠાવતી 39 વર્ષીય સારા ખલીફા વાસ્તવિક જીવનમાં પોતે જ એક વિશાળ ડ્રગ્સ માફિયા નેટવર્કની મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવતાં સમગ્ર દેશમાં ભારે ચકચાર મચી ગઈ છે.
સારા ખલીફા માત્ર એક ટીવી એન્કર જ નહોતી, પરંતુ તે એક પ્રખ્યાત કોસ્મેટિક સર્જરી ક્લિનિક અને એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની પણ ચલાવતી હતી. સ્થાનિક સુરક્ષા એજન્સીઓના અહેવાલો મુજબ, આ વ્યવસાયોની આડમાં સારા અને તેની ગેંગ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત ડ્રગ્સનું નેટવર્ક ઓપરેટ કરતી હતી. તેઓ વિદેશી સ્ત્રોતો પાસેથી માદક પદાર્થો બનાવવાનો કાચો માલ ગેરકાયદે રીતે મંગાવતા હતા અને ત્યારબાદ તેનું ઉત્પાદન કરી અલગ-અલગ બજારોમાં સપ્લાય કરતા હતા.
પોલીસ અને તપાસ એજન્સીઓએ જ્યારે કાહિરા સ્થિત એક એપાર્ટમેન્ટ પર સંયુક્ત દરોડા પાડ્યા ત્યારે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આ રહેણાંક ફ્લેટમાં જ ડ્રગ્સ બનાવવાની આખી ફેક્ટરી ઊભી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી 750 કિલોથી વધુ જથ્થામાં તૈયાર ડ્રગ્સ, બનાવટી કેમિકલ્સ તેમજ ગેરકાયદે દેશી રિવોલ્વર અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો.
સુનાવણી દરમિયાન સારા ખલીફાએ અદાલતમાં રડીને પોતે નિર્દોષ હોવાનો અને જિંદગીમાં ક્યારેય સિગારેટને પણ હાથ ન અડાડ્યો હોવાનો દાવો કર્યો હતો. જોકે, તમામ ફોરેન્સિક પુરાવા અને સાક્ષીઓના આધારે કોર્ટે તેને ગુનેગાર ઠેરવી હતી. સમગ્ર કેસમાં કોર્ટે સારા સહિત 12 લોકોને મૃત્યુદંડની સજા સંભળાવી છે, જ્યારે અન્ય 9 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે તેમજ 7 શંકાસ્પદોને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.
ઈજિપ્તના કાનૂની નિયમો અનુસાર કોઈ પણ કેદીને ફાંસી આપતાં પહેલાં દેશના ગ્રાન્ડ મુફ્તિની સત્તાવાર ધાર્મિક મંજૂરી મેળવવી ફરજિયાત હોય છે. આ ધાર્મિક મંજૂરી મળ્યા બાદ ન્યાયાધીશે આ કડક ચુકાદો જાહેર કર્યો હતો. બીજી તરફ આરોપી પક્ષે આ ચુકાદા સામે દેશની સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાની તૈયારી દર્શાવી છે.
સારા ખલીફાને ડ્રગ્સ કેસમાં ફાંસી
ઈજિપ્તની જાણીતી ટીવી એન્કર સારા ખલીફા સહિત 12 લોકોને ડ્રગ્સ બનાવવા અને સપ્લાય કરવા બદલ અદાલતે મૃત્યુદંડ ફટકાર્યો છે. ક્રાઈમ શો હોસ્ટ કરતી સારા કાહિરાના ફ્લેટમાં ફેક્ટરી ચલાવતી હતી, જ્યાંથી 750 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. ગ્રાન્ડ મુફ્તિની મંજૂરી બાદ કોર્ટે 12 ને ફાંસી અને 9 ને જન્મટીપ આપી છે.