Loading Please Wait !!!
ચાર્ટર્ડ પ્લેનને 'રમકડું' કહેવું નોરા ફતેહીને ભારે પડ્યું: ગાંધીનગર કોર્ટમાં રૂ. 3 કરોડનો દાવો

 

  • મુંબઈથી જયપુરની મુસાફરી દરમિયાન સેસના સાયટેશન જેટને નોરાએ 'ટોય પ્લેન' કહ્યું હતું

  • વિમાનની સુરક્ષા અને ગુણવત્તા પર સવાલો ઉઠાવતો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો

  • વિવાદિત વીડિયો વાયરલ થયા બાદ કંપનીના ફ્લાઇટ બુકિંગમાં 15 થી 20 ટકાનો ઘટાડો નોંધાયો

સિટી ન્યુઝ @ ગાંધીનગર

બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી માટે પ્રાઇવેટ ચાર્ટર્ડ પ્લેનને 'રમકડાંનું પ્લેન' અને 'લેગો પ્લેન' ગણાવવું ભારે મુશ્કેલીનું કારણ બની ગયું છે. ગાંધીનગર સ્થિત પ્રાઇવેટ એવિએશન કંપની 'ડ્યુન્સ એવિયેશન' દ્વારા અભિનેત્રી સામે કાનૂની મોરચો માંડવામાં આવ્યો છે. કંપનીએ તેની વ્યાવસાયિક પ્રતિષ્ઠાને ધક્કો પહોંચાડવા બદલ ગાંધીનગર સિવિલ કોર્ટમાં અભિનેત્રી વિરુદ્ધ રૂ. 3 કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે.

આ સમગ્ર વિવાદની વિગત એવી છે કે 14 ડિસેમ્બર 2025 ના રોજ નોરા ફતેહી અને તેની ટીમે ડ્યુન્સ એવિએશનના 'Cessna Citation CJ2' નામના ચાર્ટર્ડ વિમાનમાં મુંબઈથી જયપુર સુધીની મુસાફરી કરી હતી. સફર દરમિયાન નોરા ફતેહીએ વિમાનની અંદર કેટલાક વીડિયો શૂટ કર્યા હતા અને તેને પોતાના વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી તરીકે અપલોડ કર્યા હતા, જ્યાં તેના 4.66 કરોડથી વધુ ફોલોઅર્સ છે.

કંપનીનો આક્ષેપ છે કે અભિનેત્રીએ વિમાનની સુરક્ષા અને ગુણવત્તા સામે વાંધાજનક અને પાયાવિહોણા આક્ષેપો કર્યા હતા. તેણે વીડિયોમાં એવી મજાક ઉડાવી હતી કે "આ તો એક રમકડું છે, જ્યારે તમે એમેઝોન પરથી પ્લેન ઓર્ડર કરો છો ત્યારે આવું જ મળે છે." કંપનીના મતે કોઈપણ ટેકનિકલ જ્ઞાન વિના કરવામાં આવેલી આ બેજવાબદાર ટિપ્પણીથી કંપનીની વિશ્વસનીયતા પર સીધો પ્રહાર થયો છે.

કંપનીએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે કે આ વિમાન ઉદ્યોગના તમામ કડક સુરક્ષા માપદંડો મુજબનું માન્ય બિઝનેસ જેટ છે, જેણે આ સફર સંપૂર્ણ સલામતી સાથે પૂર્ણ કરી હતી. જોકે, અભિનેત્રીનો વીડિયો વાયરલ થયાના 45 થી 50 દિવસની અંદર કંપનીના ફ્લાઇટ બુકિંગમાં 15 થી 20 ટકાનો મોટો કડાકો બોલી ગયો હતો અને ગ્રાહકોએ બુકિંગ કેન્સલ કરાવતાં કંપનીને લાખો રૂપિયાનું નાણાકીય નુકસાન વેઠવું પડ્યું હતું.

અગાઉ આ મામલે કંપનીએ મોકલેલી લીગલ નોટિસનો નોરા ફતેહી તરફથી કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નહોતો. આખરે કંપનીએ થયેલા આર્થિક નુકસાનનું વળતર મેળવવા તેમજ સોશિયલ મીડિયા પરથી તે વિવાદાસ્પદ વીડિયો તાત્કાલિક હટાવવાના આદેશ માટે કોર્ટમાં દાવો કર્યો હતો. ગાંધીનગર સિવિલ કોર્ટે નોરા ફતેહીને સત્તાવાર નોટિસ જારી કરી છે અને આ કેસની આગામી સુનાવણી 25 સપ્ટેમ્બરના રોજ નિયત કરવામાં આવી છે.

નોરા ફતેહી સામે ₹3 કરોડનો દાવો

ચાર્ટર્ડ ફ્લાઇટને એમેઝોનનું રમકડું કહેવા બદલ ગાંધીનગરની ડ્યુન્સ એવિયેશન કંપનીએ અભિનેત્રી નોરા ફતેહી સામે ગાંધીનગર કોર્ટમાં રૂ. 3 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. સોશિયલ મીડિયા વીડિયોથી બુકિંગમાં 20% ઘટાડો થતાં કંપનીએ વળતરની માંગ કરી છે. કોર્ટે નોરાને નોટિસ પાઠવી આગામી સુનાવણી 25 સપ્ટેમ્બરે રાખી છે.