Loading Please Wait !!!
ડૉક્ટરો પર હુમલો કરનારા નેતાઓને સીધા જેલમાં નાખો: મહારાષ્ટ્રની ઘટના પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

 

  • શિવસેના જિલ્લા પ્રમુખ કુંદન સંખે અને શહેર પ્રમુખ રાહુલ ઘરત સહિતના ટોળા સામે ગુનો દાખલ

  • દહી હાંડી દરમિયાન ઇજાગ્રસ્ત દર્દીને રજા આપવા મુદ્દે ઇમરજન્સી વોર્ડમાં ઘૂસી કરી તોડફોડ

  • બચાવ કરવા ગયેલા રિસેપ્શનિસ્ટને થપ્પડ મારી અને મહિલા કર્મચારીને આપી ધમકી

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

મહારાષ્ટ્રમાં રાજકીય પક્ષોના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ફરજ પર તહેનાત તબીબો સાથે વધી રહેલી હિંસક મારામારીની ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટે અત્યંત આકરું વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે દેશભરમાં ડૉક્ટરોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં મહારાષ્ટ્ર સરકાર અને પોલીસ તંત્રને કડક આદેશ આપ્યા છે કે ડૉક્ટરો પર હાથ ઉપાડનારા આવા કોઈપણ રાજકીય નેતાઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે.

આ કડક ટિપ્પણી મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલી ખાનગી રિલીફ હોસ્પિટલમાં શિવસેના (શિંદે જૂથ) ના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો દ્વારા ડૉક્ટરો તેમજ મેડિકલ સ્ટાફ પર કરવામાં આવેલા જીવલેણ હુમલાના બીજા જ દિવસે આવી છે. અહેવાલો મુજબ, દહી હાંડી ઉત્સવ દરમિયાન ઘાયલ થયેલા એક દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવા મુદ્દે રવિવારે વહેલી સવારે હોસ્પિટલના પેસેજમાં ઉગ્ર વિવાદ શરૂ થયો હતો.

હોસ્પિટલ પ્રશાસને નોંધાવેલી ફરિયાદ અનુસાર, શિવસેના જિલ્લા પ્રમુખ કુંદન સંખે અને શહેર પ્રમુખ રાહુલ ઘરત પોતાના સમર્થકો સાથે ઇમરજન્સી વોર્ડમાં ધસી આવ્યા હતા. ડૉક્ટરો સાથે અભદ્ર વર્તન કર્યા બાદ ટોળું નિયમોનું ઉલ્લંઘન કરીને દર્દીઓથી ભરેલા ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં પણ બળજબરીપૂર્વક ઘૂસી ગયું હતું અને ત્યાં ભારે ઉત્પાત મચાવ્યો હતો.

આ સમગ્ર શરમજનક ઘટના હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે જ્યારે હોસ્પિટલના એક રિસેપ્શનિસ્ટે વચ્ચે પડીને પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો ત્યારે હુમલાખોરોએ તેને જાહેરમાં જોરદાર થપ્પડ મારી દીધી હતી તેમજ વચ્ચે પડેલી એક મહિલા કર્મચારીને પણ ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરતાં સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલા નેતાઓ સહિત કુલ 17 લોકો સામે વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે.

મહારાષ્ટ્રમાં જનપ્રતિનિધિઓ દ્વારા હોસ્પિટલોમાં કરવામાં આવતી ગુંડાગીરીનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ કલ્યાણની એક મ્યુનિસિપલ હોસ્પિટલમાં પણ શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રે સામે ડૉક્ટરો પર હુમલો કરવાના આરોપસર ગુનો નોંધાઈ ચૂક્યો છે. વારંવાર બનતી આવી ઘટનાઓ સામે તબીબી આલમમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટના આ આદેશથી મેડિકલ સ્ટાફને મોટી રાહત મળશે.

ડૉક્ટરો પર હુમલા સામે સુપ્રીમ સખત

મહારાષ્ટ્રના પાલઘરમાં શિવસેના નેતાઓ દ્વારા હોસ્પિટલ સ્ટાફ પર હુમલો કરાયા બાદ સુપ્રીમ કોર્ટે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા આદેશ આપ્યો છે. ICU માં ઘૂસી મારામારી કરવા બદલ પોલીસે 17 સામે ગુનો નોંધ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે ડૉક્ટરો પર હુમલો કરનારા નેતાઓને તાત્કાલિક જેલમાં મોકલવામાં આવે.