Loading Please Wait !!!
અમેરિકિન ભૂરીયાએ દ્વારકામાં પર્સ ખોવાતા ‘હરે કૃષ્ણ’ના જાપ શરૂ કર્યા 60 મિનિટમાં પર્સ મળી ગયું

પોલીસ અમેરિકાથી દર્શન કરવા આવેલા વિદેશીની મદદ કરી

લાખોની મેદની વચ્ચે ખોવાયેલું પર્સ પોલીસે શોધી આપ્યું ભીડમાં પર્સ મળવું એ ચમત્કારથી ઓછું નથી

સિટી ન્યૂઝ@દ્વારકા

આજથી બરાબર ૨ દિવસ પહેલાં દ્વારકામાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી ચાલી રહી હતી. અહીં લાખો ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની એક ઝલક જોવા માટે ઉમટ્યાં હતા. આવી જ કંઈક આશા સાથે સાત સમુદ્ર પાર અમેરિકાથી એક યુવાન ગુજરાતના લેવાડે આવેલાં દ્વારકાધીશના દર્શન માટે પહોંચે છે. જે ઉત્સાહ સાથે તે દ્વારકા નગરીમાં પહોંચ્યો હતો તેનો ઉત્સાહ થોડાક જ કલાકોમાં ચિંતામાં ફેરવાઈ ગયો. કારણ કે તેના ડૉક્યુમેન્ટ્સથી લઈને મોબાઇલ અને કિંમતી સામાન ભરેલું પર્સ ક્યાંક ગુમ થઈ ગયું. હાંફળો ફાફળો બનેલો આ યુવક મુંઝાઈ ગયો કે ડૉક્યુમેન્ટ વગર પોતાના દેશ પરત કેવી રીતે કરશે પણ તેનું ગુમ થયેલું પર્સ એક કૉન્સ્ટેબલે ૭૦ મિનિટમાં જ પાછું મેળવી આપ્યું હતું. પર્સ મળતાં જ તેને જાણે કે ભગવાનનો સાક્ષાત્કાર થયો હોવાનો અનુભવ થયો.

કૃષ્ણનગરીમાં ભક્તોની ભીડ જામી હતી. રજાધિરાજ દ્વારકાધીશને નિહાળવા સૌ કોઈ આતુર હતા. પાંચ દિવસ પહેલાંથી અહીં ભાવિકોનો ધસારો ચાલુ થઈ ગયો હતો એટલે ક્રાઉડ મેનેજમેન્ટ કરવા ખૂણે ખૂણે પોલીસ તૈનાત હતી.

જન્માષ્ટમીના દિવસે સવારે ૮ વાગ્યાથી જ દ્વારકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નિશિત પરમારની ડ્યુટી કિર્તિ સ્તંભથી લઈને નવા ગોમતી ઘાટ સુધીની હતી. ડ્યુટી શરૂ થ્યાને અંદાજે ત્રણેક કલાક વીત્યાં હશે. તેવામાં તેની નજર એક વિદેશી નાગરિક પર પડી. તે વિદેશી નાગરિક એકદમ ચિંતામાં હતો. આસપાસથી જે લોકો નીકળે તેને પકડીને ઊભા રાખીને કંઈક પૂછી રહ્યો હતો અને હાથથી કંઈક ઇશારો કરી રહ્યો હતો. દૂરથી આ દશ્ય જોતાં હેડ કોન્સ્ટેબલને કંઈ ખબર નહોતી પડતી કે આ વિદેશી નાગરિક શું પૂછી રહ્યો છે અને કેમ ચિંતામાં છે.