ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ મેક્સિકોનું નામ બદલવા સૂચવ્યું!
-
ન્યૂ મેક્સિકોનું નામ બદલીને 'ન્યૂ અમેરિકા' કરવાની ચર્ચા!
-
ટ્રમ્પના સૂચન સામે સ્થાનિક નેતાઓ અને સેનેટર્સનો વિરોધ!
-
ઇતિહાસ અને ઓળખ સાથે જોડાયેલું છે રાજ્યનું નામ!
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ મેક્સિકો રાજ્યનું નામ બદલીને ‘ન્યૂ અમેરિકા’ રાખવાનું સૂચન કરીને નવી રાજકીય ચર્ચા જગાવી છે. ટ્રમ્પે સોમવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર આ અંગે પોસ્ટ કરી હતી, જો કે રાજ્યનું નામ બદલવા અંગે હાલ કોઈ સત્તાવાર પ્રક્રિયા શરૂ થઈ હોવાના અહેવાલ નથી.
પોતાની પોસ્ટમાં ટ્રમ્પે દલીલ કરી હતી કે ન્યૂ મેક્સિકો એ મેક્સિકો નથી પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનો જ ભાગ છે, તેથી તેણે તાત્કાલિક પોતાનું નામ બદલી નાખવું જોઈએ. તેમના મતે આ બદલાવથી રાજ્યનું મહત્ત્વ વધશે અને રહેવાસીઓમાં અમેરિકી ધ્વજ પ્રત્યે ગૌરવની ભાવના મજબૂત થશે. અગાઉ તેઓ ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને 'ગલ્ફ ઓફ અમેરિકા' રાખવાની વાતને લઈને પણ ચર્ચામાં રહ્યા હતા.
ટ્રમ્પના આ સૂચન સામે સ્થાનિક સ્તરે ભારે વિરોધ શરૂ થયો છે. ડેમોક્રેટિક પાર્ટીના સેનેટર બેન રે લુજાને આ પ્રસ્તાવને ફગાવતા જણાવ્યું હતું કે ન્યૂ મેક્સિકોનું નામ દેશની સ્થાપના પહેલાંથી તેના સમૃદ્ધ ઇતિહાસ અને અનીન્ય ઓળખ સાથે જોડાયેલું છે. રાજ્યના રહેવાસીઓને પોતાની પરંપરા અને નામ પર સંપૂર્ણ ગર્વ છે.
આ મામલે સેનેટર બર્ની સેન્ડર્સે પણ ટ્રમ્પની ટીકા કરી છે. તેમણે ટ્રમ્પને નામ બદલવાની પ્રવૃત્તિ છોડીને ઈરાન સાથેના તણાવનો અંત લાવવા અને પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ઊંચા ભાવ તથા આર્થિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી છે.
બંધારણીય દૃષ્ટિએ જોઈએ તો માત્ર સોશિયલ મીડિયા પોસ્ટથી કોઈ રાજ્યનું નામ આપમેળે બદલાઈ શકાતું નથી. નામ બદલવા માટે કઠોર કાયદાકીય અને બંધારણીય પ્રક્રિયાનું પાલન કરવું અનિવાર્ય બને છે, જેના કારણે ટ્રમ્પનું આ નિવેદન હાલ માત્ર એક રાજકીય સૂચન પૂરતું જ સીમિત રહ્યું છે.
નામ બદલવાની રાજનીતિ: પ્રતીકોની લડાઈ કે વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન ભટકાવવું?
રાજ્યો કે ભૌગોલિક સ્થળોના નામ બદલવાની રાજનીતિ આજકાલ વૈશ્વિક સ્તરે એક નવો ટ્રેન્ડ બની ગયો છે. જ્યારે સત્તાધીશો કે નેતાઓ વિકાસ અને જનકલ્યાણના મૂળભૂત પ્રશ્નોને છોડીને નામો બદલવા કે ઓળખના વિવાદો ઊભા કરવામાં રસ દાખવે છે, ત્યારે તે જનતાનું ધ્યાન વાસ્તવિક સમસ્યાઓથી હટાવવા માટેનું એક સાધન બની જાય છે. ટ્રમ્પનું આ પ્રસ્તાવ પણ કાયદાકીય રીતે અસંભવ હોવા છતાં મીડિયા અને જનતામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, જે દર્શાવે છે કે રાજકારણમાં પ્રતીકોની રમત હંમેશાં હાવી રહે છે.