ચોટીલા-થાનગઢમાં નાયબ કલેક્ટરનો એક્શન પ્લાન: પાણી અને ટ્રાફિકના પ્રશ્ને કડક સૂચના
- ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં એચ.ટી. મકવાણા લાલઘૂમ, ખોટા BPL દાખલા કાઢનારાઓ સામે ગુનો નોંધાશે
- ઢોકળવા, અભેપર સહિતના ગામોની પાણીની સમસ્યા ઉકેલવા તંત્રને તાકીદ, પુરવઠા સમિતિએ ઈ-KYC પર ભાર મૂક્યો
- થાનગઢમાં ખોટા BPL દાખલા કાઢનારાઓની ખેર નથી: નાયબ કલેક્ટરે ચીફ ઓફિસરને આપ્યા તપાસના આદેશ
સુરેન્દ્રનગર | સિટી ન્યૂઝ : ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ તેમજ પુરવઠા સલાહકાર સમિતિની મહત્વની બેઠક નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં જનતાને સ્પર્શતા પાયાના પ્રશ્નો, વહીવટી પારદર્શિતા અને જાહેર સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. નાયબ કલેક્ટરે વિવિધ વિભાગોના અધિકારીઓને પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે આકરા નિર્દેશ આપ્યા હતા.
સંકલન સમિતિની બેઠકમાં સૌથી વધુ ચર્ચા પીવાના પાણીની સમસ્યા પર થઈ હતી. ચોટીલા તાલુકાના ઢોકળવા અને ઘારૈઇ ગામ તેમજ થાનગઢના અભેપર અને મનડાસર ગામોમાં પીવાના પાણીની હાડમારી દૂર કરવા સંબંધિત વિભાગને સૂચના અપાઈ હતી. આ ઉપરાંત, પાંજવાળી ગામે વાસમોની જર્જરિત થઈ ગયેલી પાણીની ટાંકી કોઈ દુર્ઘટના સર્જે તે પહેલા તેને ઉતારી લેવા માટે પણ આદેશ કરાયા હતા.
બેઠક દરમિયાન થાનગઢ નગરપાલિકા દ્વારા ભૂતકાળમાં કાઢવામાં આવેલા શંકાસ્પદ BPL દાખલાઓનો મુદ્દો પણ ઉછળ્યો હતો. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ આ અંગે કડક વલણ અપનાવતા ચીફ ઓફિસરને વિગતવાર તપાસ કરવા અને જો દાખલા ખોટા જણાય તો જવાબદારો સામે ગુનો દાખલ કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. આ ઉપરાંત, ચોટીલા નેશનલ હાઈવે પર જલારામ મંદિર અને આણંદપુર રોડ પર થતી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પોલીસ અને વહીવટી તંત્રને સંયુક્ત રીતે કાર્ય કરવા જણાવાયું હતું.
નેશનલ હાઈવે-47 પરની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવાયું હતું કે, હાઈવે પર અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે કટઆઉટ કરવામાં આવ્યા છે, જે અકસ્માતનું મુખ્ય કારણ બને છે. આવા કટઆઉટની ખાતરી કરી નિયમોનુસાર કાર્યવાહી કરવા તેમજ અકસ્માત સર્જાતા સ્થળો (બ્લેક સ્પોટ) ઓળખીને તેનો અહેવાલ મોકલવા નિર્દેશ અપાયો હતો. પુરવઠા સમિતિની બેઠકમાં રેશનિંગનો જથ્થો સમયસર પહોંચાડવા અને ઈ-કેવાયસીની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા ગોડાઉન મેનેજરને તાકીદ કરાઈ હતી.
આ બેઠકમાં મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર, તાલુકા વિકાસ અધિકારી, પીજીવીસીએલ, પાણી પુરવઠા અને માર્ગ-મકાન વિભાગ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. નાયબ કલેક્ટરે તમામ વિભાગોને પરસ્પર સંકલન જાળવીને લોકપ્રશ્નોના ઉકેલ લાવવા અને રેકોર્ડ વર્ગીકરણની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા કડક સૂચના આપી હતી. આ બેઠકથી સ્થાનિક વહીવટમાં ગતિશીલતા આવશે તેવી આશા સેવાઈ રહી છે.