Loading Please Wait !!!
અમદાવાદના કાલુપુર બ્રિજ પર ક્ષમતા કરતા વધુ બાળકો ભરેલી સ્કૂલ રિક્ષા ઝડપાઈ!

 

  • રિક્ષાની પાછળ મોઢા અને પગ બહાર કાઢીને બાળકો બેઠા હોવાનું સામે આવ્યું.

  • વધુ ભાડાની લાલચમાં ડ્રાઇવરો દ્વારા માસૂમ બાળકોનો જીવ જોખમમાં મુકાય છે.

  • નિયમ મુજબ ૧૨ વર્ષથી ઓછી ઉંમરના માત્ર ૬ બાળકોને જ બેસાડી શકાય છે.

સિટી ન્યુઝ @ અમદાવાદ

અમદાવાદ, અમદાવાદ શહેરના અત્યંત વ્યસ્ત એવા કાલુપુર બ્રિજ પરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક સ્કૂલ રિક્ષાચાલક વધુ ભાડાની લાલચમાં માસૂમ બાળકોનો જીવ જોખમમાં મૂકતો જોવા મળી રહ્યો છે. રિક્ષાની અંદર ક્ષમતા કરતા વધુ બાળકો તો ભરેલા હતા જ, પરંતુ રિક્ષાની પાછળ જ્યાં સામાન્ય રીતે સ્કૂલ બેગ લટકાવવામાં આવે છે તે જગ્યાએ બાળકોને જીવના જોખમે લટકતી હાલતમાં બેસાડવામાં આવ્યા હતા.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બાળકો પોતાના મોઢા અને પગ બહાર કાઢીને બેઠા હતા અને આ દરમિયાન એક બાળક ચાલુ રિક્ષામાં નીચે પડતાં-પડતાં માંડ બચ્યું હતું. આ ઘટના વાલીઓ માટે અત્યંત ચેતવણીરૂપ સાબિત થઈ રહી છે.

આ મામલે E ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પાર્થ ચૌધરીએ જણાવ્યું છે કે વાયરલ વીડિયોમાં દેખાતા રિક્ષાના નંબરના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે અને રિક્ષાચાલકની ઓળખ કરી તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નિયમ મુજબ ૧૨ વર્ષથી ઓછી ઉંમરના ૬ બાળકોને જ સ્કૂલ રિક્ષામાં બેસાડી શકાય છે, છતાં કેટલાક ચાલકો નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે.