Loading Please Wait !!!
મંત્રાલયની નવી એડવાઇઝરી: ન્યૂઝ ચેનલો માટે કડક નિયમો! ટીવી ચર્ચાઓમાં સંપાદકીય નિયંત્રણ વધુ મજબૂત કરવા આદેશ!

  • AI ના ઉપયોગ અને નકશા બાબતે સરકારની સ્પષ્ટ સૂચના!

  • સનસનાટીભરી રજૂઆત અને હિંસક દૃશ્યો બતાવવા પર કાપ!

  • કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમોનું ચુસ્ત પાલન કરવા તાકીદ!

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ટીવી ન્યૂઝ ચેનલો માટે એક નવી અને કડક એડવાઇઝરી જારી કરવામાં આવી છે. આ સૂચના અનુસાર, ન્યૂઝ ચેનલો અને પેનલ ચર્ચા દરમિયાન સંપાદકીય નિયંત્રણ વધુ કડક રાખવા તથા ચર્ચામાં કોઈ પેનલિસ્ટ દ્વારા અપમાનજનક કે ભડકાઉ નિવેદન આપવામાં આવે તો તુરંત જ માઇક મ્યૂટ કરવા કે પ્રસારણ અટકાવવા જેવા પગલાં લેવા જણાવાયું છે.

મંત્રાલયે નોંધ્યું છે કે કેટલીક ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલો કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ એક્ટ અને રૂલ્સ હેઠળના પ્રોગ્રામ કોડનું યોગ્ય પાલન કરતી નથી. પેનલિસ્ટોની પસંદગીમાં કાળજી રાખવા અને જો કોઈ વ્યક્તિ અભદ્ર ભાષા વાપરે તો ડિસ્ક્લેમર દર્શાવવા કે પ્રસારણ બંધ કરવા સુધીના પગલાં લેવા તાકીદ કરાઈ છે.

આ ઉપરાંત, કેન્દ્ર સરકારે ચેનલોને આતંકવાદ વિરોધી ઓપરેશન્સનું લાઇવ કવરેજ ન કરવા સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. નકશા અને ગ્રાફિક્સમાં માત્ર સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂર કરાયેલા માનક નકશા જ વાપરવાના રહેશે. સમાચાર નિર્માણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ માત્ર સહાયક સાધન તરીકે જ કરવાનો રહેશે જેથી ડેટાની ચોકસાઈ જળવાઈ રહે.

ગુના અને હિંસાના અહેવાલો પ્રસારિત કરતી વખતે સંપૂર્ણ ચકાસેલા તથ્યો અને સંતુલન રાખવા સૂચના અપાઈ છે. અસ્વસ્થ કરી દે તેવા કે ભયાનક દૃશ્યો વારંવાર ન બતાવવા અને જરૂર જણાય ત્યાં બ્લરિંગ કે માસ્કિંગનો ઉપયોગ કરવા કહેવાયું છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ મહિલાઓ અને સગીર બાળકો સામેના ગુનાના પીડિતોની ઓળખ કોઈપણ સંજોગોમાં જાહેર ન કરવા આદેશ છે.

આંતરવિભાગીય સમિતિની બેઠક બાદ જારી કરાયેલી આ એડવાઇઝરીનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રોગ્રામ કોડનું કડક પાલન કરાવવાનો અને કુદરતી આપત્તિઓ કે અકસ્માતોના સમયે દર્શકોમાં બિનજરૂરી ગભરાટ ફેલાતો અટકાવવાનો છે.

મીડિયાની જવાબદારી અને સેન્સરશિપ: સ્વતંત્રતા સાથે અંકુશનું સંતુલન

લોકશાહીમાં મીડિયાને ચોથો સ્તંભ માનવામાં આવે છે, જેની પ્રાથમિક જવાબદારી જનતા સુધી સાચા અને સચોટ સમાચાર પહોંચાડવાની છે. પરંતુ ટીઆરપીની રેસમાં ઘણીવાર સનસનાટી ફેલાવવી અને સંવેદનશીલ મુદ્દાઓનું અતિશય પ્રસારણ કરવું એ પત્રકારત્વના મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધ જાય છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલી આ એડવાઇઝરી એ વાતની યાદ અપાવે છે કે વાણી સ્વાતંત્ર્યની સાથે સાથે સામાજિક જવાબદારી અને કાનૂની મર્યાદાઓનું પાલન કરવું પણ એટલું જ અનિવાર્ય છે.