Loading Please Wait !!!
એક જ PAN પર સેન્ટ્રલાઈઝ્ડ GST રજિસ્ટ્રેશન લાવવાની કવાયત

  • અલગ-અલગ રાજ્યોના ટેક્સ ચક્કરમાંથી મુક્તિ અપાવવા CBIC દ્વારા ઉચ્ચ સ્તરીય કમિટીની રચના
  • 11 સભ્યોની પેનલ 30 દિવસમાં સોંપશે રિપોર્ટ, ઉદ્યોગ જગતની મુશ્કેલીઓ ઘટશે
  • બહુવિધ રજિસ્ટ્રેશનની ઝંઝટમાંથી મળશે છુટકારો, ઓડિટ અને તપાસની જટિલતાઓ ઘટશે

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા દેશમાં વેપાર-ધંધો વધુ સરળ બનાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એક જ PAN પર દેશનાં અલગ-અલગ રાજ્યોમાં મલ્ટિપલ જીએસટી રજિસ્ટ્રેશન ધરાવતાં વેપારીઓ માટે એક જ કેન્દ્રીય વહીવટી વ્યવસ્થા ઊભી કરવા અંગે વિચારણા શરૂ કરવામાં આવી છે. આ પ્રસ્તાવની વિગતવાર તપાસ કરવા માટે સીબીઆઈસીએ એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગ જગતની વર્ષો જૂની મુશ્કેલીઓનો ઉકેલ લાવવાનો છે. હાલમાં દેશભરમાં શાખાઓ કે કામકાજ ધરાવતી કંપનીઓએ દરેક રાજ્યમાં અલગ-અલગ જીએસટી રજિસ્ટ્રેશન લેવું પડે છે અને સ્થાનિક ટેક્સ અધિકારીઓ સાથે વ્યવહાર કરવો પડે છે. જો આ નવો ફેરફાર લાગુ થશે, તો કંપનીઓ અલગ-અલગ રાજ્યની ઓથોરિટીના ચક્કર કાપવાને બદલે એક જ કેન્દ્રીય જીએસટી ઓથોરિટી હેઠળ પોતાનું ટેક્સ કામકાજ સંભાળી શકશે.

વિનાયક ચંદ્ર ગુપ્તાના નેતૃત્વ હેઠળ બનેલી આ 11 સભ્યોની પેનલ આ નવી સિસ્ટમ લાગુ કરવા માટે કાનૂની, વહીવટી અને ટેકનોલોજીકલ સ્તરે કયાં સુધારા કરવા પડશે તેની તપાસ કરશે. પેનલને આગામી 30 દિવસની અંદર પોતાનો રિપોર્ટ સોંપવા જણાવાયું છે. ટેક્સ નિષ્ણાતોનું માનવું છે કે આ પગલાથી કંપનીઓ માટે જીએસટી નિયમોનું પાલન કરવું સરળ બનશે અને વધારાના ખર્ચમાં ઘટાડો થશે.

 

સરકારની નવી પહેલ અને રાહત

દેશમાં વેપાર કરતા ઉદ્યોગો માટે ટેક્સ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવાના હેતુસર કેન્દ્ર સરકારે કવાયત હાથ ધરી છે. ભૂતકાળમાં એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ દરમિયાન અમલમાં રહેલી કેન્દ્રીય વ્યવસ્થાની જેમ જ હવે જીએસટી ક્ષેત્રે પણ સેન્ટ્રલાઈઝ્ડ રજિસ્ટ્રેશન લાવવાથી વિવિધ રાજ્યોની અલગ-અલગ નોટિસો, તપાસ અને ઓડિટની જટિલતાઓમાંથી મોટી રાહત મળી શકશે.