Loading Please Wait !!!
ભાવનગર ભાજપમાં ભડકો: પાર્લામેન્ટ્રી બોર્ડમાંથી પૂર્વ મેયર ભરત બારડની બાદબાકી, નારાજગી સાથે ઠાલવી વ્યથા!

  • "ટિકિટ વિતરણમાં મેયરનો અભિપ્રાય લેવો જોઈએ પણ મને જાણ જ ન કરાઈ" - ભરત બારડના નિવેદનથી રાજકારણ ગરમાયું.
  • શહેરના પ્રથમ નાગરિકને જ મંથન પ્રક્રિયાથી દૂર રખાતા અનેક તર્ક-વિતર્ક – પ્રદેશ કાર્યાલય 'કમલમ' પહોંચ્યું સંગઠન
  • "કોણે કામ કર્યું તે મેયરને ખબર હોય છે" - ઉમેદવારોની પસંદગી પૂર્વે જ ભાવનગર ભાજપમાં આંતરિક ખેંચતાણ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા તેજ બની છે, ત્યારે ભાવનગર ભાજપમાં મોટો ગણગણાટ શરૂ થયો છે. ભાવનગર મહાનગરપાલિકાના ૧૩ વોર્ડના ઉમેદવારો માટે ગાંધીનગર સ્થિત 'કમલમ' ખાતે મંથન ચાલી રહ્યું છે, પરંતુ આ પ્રક્રિયામાં ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડની બાદબાકી કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે. પૂર્વ મેયરે આ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ટિકિટ વિતરણમાં મેયરનો અભિપ્રાય લેવો જોઈએ પરંતુ તેમને પ્રક્રિયાથી દૂર રાખવામાં આવ્યા છે.

પૂર્વ મેયર ભરત બારડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ પક્ષના જૂના કાર્યકર્તા છે અને અત્યાર સુધીની પદ્ધતિ મુજબ શહેરના પ્રથમ નાગરિકને સાથે રાખીને જ ઉમેદવારો અંગે ચર્ચા થતી હોય છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું, "મેં સામેથી શહેર પ્રમુખને પૂછ્યું હતું, પણ તેમણે કહ્યું કે પ્રદેશમાંથી કોઈ આદેશ નથી. ભાવનગરના મેયરની એક ક્રેડિટ હોય છે અને આ વખતે મને જાણ ન કરાતા હું અવઢવમાં છું કે ક્યાંક કોઈ મિસ્ટેક થઈ રહી છે."

ભરત બારડની મુખ્ય દલીલ એ છે કે, મેયર તરીકે તેમણે આખા શહેરમાં કામ કર્યું હોય છે. કયા વોર્ડમાં કયા નગરસેવકે શ્રેષ્ઠ કામગીરી કરી છે અને ક્યાં લોકોમાં નારાજગી છે, તેનો સૌથી વધુ ખ્યાલ મેયરને હોય છે. આવા સંજોગોમાં મેયરનો અભિપ્રાય લીધા વગર જ ટિકિટો નક્કી કરવી એ જોખમી સાબિત થઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પક્ષમાં યુવાનોને તક મળે તે જરૂરી છે, પરંતુ તેની સાથે બે-ચાર વરિષ્ઠો પણ હોવા જોઈએ જેઓ યોગ્ય માર્ગદર્શન આપી શકે.

ચૂંટણીના આરે જ પૂર્વ મેયર જેવા કદાવર નેતાની આ પ્રકારે અવગણના થવાથી કાર્યકરોમાં પણ આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. શું પક્ષ દ્વારા કોઈ નવી રણનીતિ ઘડાઈ રહી છે કે પછી પૂર્વ મેયરની કામગીરીથી સંગઠન નારાજ છે તેવા સવાલો અત્યારે ભાવનગરના રાજકારણમાં ચર્ચાઈ રહ્યા છે. જોકે, ભરત બારડે એમ પણ કહ્યું હતું કે આમાં કોઈનો બદ ઈરાદો નહીં હોય, પણ પદ્ધતિ મુજબ તેમની જાણકારી લેવી અનિવાર્ય હતી. હવે જોવાનું એ રહેશે કે 'કમલમ' ખાતેની આ બેઠક બાદ ભાવનગરના ૧૩ વોર્ડમાં ભાજપ કેવા ચહેરાઓને મેદાનમાં ઉતારે છે.