ભાવનગરના ખેડૂત પુત્રનો વર્લ્ડ રેકોર્ડ: માલ્ટાથી દિલ્હી સુધી 12 હજાર કિમી પગપાળા સફર!
- માલ્ટાના PM ના પત્નીએ ભેટીને આપી શુભેચ્છા – ક્લાયમેટ ચેન્જ સામે લડવા જયદીપનું 'મિશન ગ્લોબલ'
- ઇટલીમાં બિલાડીની ક્રૂરતા જોઈ ભાવુક થયા જયદીપ – 15 કિલો કચરો ઉઠાવી પૃથ્વી બચાવવાનો સંકલ્પ
- વડાપ્રધાન રોબર્ટ અબેલાના પત્ની લીડિયાએ કરાવ્યું ફ્લેગ-ઓફ – 12,000 કિમીના રસ્તે રચશે ઇતિહાસ
ભાવનગરના એક સામાન્ય ખેડૂત પરિવારનો પુત્ર જ્યારે અસાધારણ સપના જુએ છે, ત્યારે ઇતિહાસ રચાય છે. જયદીપ લાખણકિયા, જે એક સમયે CA બનવાના સપના જોતો હતો, તે આજે માલ્ટાથી પગપાળા નીકળી દિલ્હી સુધી 12,000 કિલોમીટરનો રસ્તો કાપી રહ્યો છે. ક્લાયમેટ ચેન્જ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના મક્કમ નિર્ધાર સાથે જયદીપે શરૂ કરેલી આ યાત્રામાં તે 18 મહિનામાં 20 દેશોની મુલાકાત લેશે. તેની સાથે એક બેબી વોકર છે અને ખભા પર 15 કિલો કચરો એકઠો કરી શકાય તેવી બેગ છે, જે તેના પર્યાવરણ પ્રેમને દર્શાવે છે.
આ સાહસિક મિશનની શરૂઆત 21 ફેબ્રુઆરીના રોજ માલ્ટાથી થઈ હતી. જયદીપના આ ઉમદા કાર્યથી પ્રભાવિત થઈને માલ્ટાના વડાપ્રધાન રોબર્ટ અબેલાના પત્ની લીડિયા જાતે તેને ફ્લેગ-ઓફ આપવા પહોંચ્યા હતા. નિર્ધારિત સમય કરતા પણ વધુ એટલે કે 45 મિનિટ સુધી ત્યાં રોકાઈને તેમણે જયદીપને ગળે લગાવી પ્રોત્સાહિત કર્યો હતો. તેમણે ગર્વ સાથે જણાવ્યું હતું કે, "ક્લાયમેટ ચેન્જ માટે આ પ્રકારની ઝુંબેશ વિશ્વમાં પહેલીવાર થઈ રહી છે અને અમને ગર્વ છે કે તમે માલ્ટાથી આ મિશન શરૂ કર્યું."
જોકે, આ સફર ફૂલોની પથારી જેવી નથી. જયદીપને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઇટલીના વીબો મરિના શહેરમાંથી પસાર થતી વખતે તેણે એક બિલાડીને જાળીમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી જોઈ હતી. સ્થાનિક ટ્રક ડ્રાઈવરની મદદથી બિલાડીને છોડાવી તો ખરી, પણ તે તરફડીને મૃત્યુ પામી. આ ઘટનાથી જયદીપ રડી પડ્યો હતો અને તેણે માનવતા બતાવતા મૃત બિલાડીને 17 કિલોમીટર દૂર લઈ જઈને પોતાની બહેનોની યાદમાં 'ક્રિતા' નામ આપી દફનાવી હતી.
જયદીપના આ મિશનનો પાયો ગ્રીસમાં યોજાયેલી એક કોન્ફરન્સ દરમિયાન નંખાયો હતો, જ્યાં તેણે ક્લાયમેટ ચેન્જની ગંભીર અસરો વિશે જાણ્યું હતું. હોટલ મેનેજમેન્ટમાં કરિયર બનાવવા ગયેલો આ યુવાન આજે વિશ્વને પૃથ્વી બચાવવાનો સંદેશ આપી રહ્યો છે. દરરોજ કિલોમીટરો સુધી ચાલવું, ભાષાની સમસ્યા અને અજાણ્યા દેશોના કાયદાઓ વચ્ચે જયદીપનો જોશ જરાય ઓછો થયો નથી.
રાજકોટ અને સમગ્ર ગુજરાત માટે જયદીપ લાખણકિયા એક પ્રેરણાસ્ત્રોત બની ગયો છે. 12,000 કિલોમીટરની આ સફર જ્યારે ભારતમાં પૂર્ણ થશે, ત્યારે તે માત્ર એક પદયાત્રા નહીં પણ પર્યાવરણ માટેનો એક મોટો દસ્તાવેજ બની જશે. જયદીપની આ સફર અત્યારે યુરોપના દેશોમાં ખૂબ જ ચર્ચામાં છે અને તેને ઠેર-ઠેર ભારતીય કોમ્યુનિટીનો પણ સહયોગ મળી રહ્યો છે.