Loading Please Wait !!!
વિદાય પૂર્વે ચોમાસુ ફરી સક્રિય: બંગાળની ખાડીમાં લો-પ્રેશરથી દેશના 25 રાજ્યોમાં વરસાદની આગાહી

 

  • એકાદ મહિનાના લાંબા વિરામ બાદ લો-પ્રેશર સિસ્ટમના પગલે ચોમાસાનું જોરદાર કમબેક

  • ઓડિશા નજીક લો-પ્રેશર અને અપર એર સાયક્લોનિક સરક્યુલેશન મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર સુધી અસર કરશે

  • બિહારમાં ગંગા સહિત 8 નદીઓ તોફાની બનતાં 14 જિલ્લા પૂરની ઝપેટમાં, નવો વરસાદ ચિંતા વધારશે

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

દેશના મોટાભાગના રાજ્યોમાં છેલ્લા એકાદ મહિનાથી વરસાદે સંપૂર્ણ વિરામ લેતાં ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. જોકે, હવે વિદાય પૂર્વે ચોમાસુ પુનઃ સક્રિય થવાની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ (IMD) ના તાજા અહેવાલ મુજબ, બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી લો-પ્રેશર સિસ્ટમના પ્રભાવથી દેશના 25 જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદનો નવો તબક્કો શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ ઓડિશાના દરિયાકાંઠા નજીક આકાર લઈ રહી છે, જેના કારણે પૂર્વીય અને મધ્ય ભારતના રાજ્યોમાં તેની વ્યાપક અસર જોવા મળશે. આજે અને આવતીકાલે ઓડિશાના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મધ્યપ્રદેશમાં તોફાની પવન સાથે વરસાદની શક્યતા છે. દેશની રાજધાની દિલ્હીમાં 14 સપ્ટેમ્બર સુધી વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે, જ્યારે ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ બિહારમાં પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે. રાજ્યમાં ગંગા સહિતની 8 મુખ્ય નદીઓ હાલ ભયજનક સપાટીએ વહી રહી છે અને 14 જિલ્લાઓ પહેલેથી જ પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે, ત્યારે તોફાની પવન અને કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની ચેતવણીએ તંત્રની મુશ્કેલી વધારી દીધી છે. હવામાન નિષ્ણાતોના મતે, ઓડિશા નજીક સર્જાયેલા લો-પ્રેશર સાથે સંકળાયેલું અપર એર સાયક્લોનિક સરક્યુલેશન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તરફ આગળ વધશે, જેના લીધે ગુજરાતમાં પણ આગામી 16 સપ્ટેમ્બર સુધી હળવોથી ભારે વરસાદ વરસી શકે છે.

દેશના 25 રાજ્યોમાં ફરી વરસાદી માહોલ

બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા લો-પ્રેશરના કારણે દેશમાં ચોમાસુ ફરી જોર પકડશે. હવામાન વિભાગે દિલ્હી, યુપી, બિહાર અને ગુજરાત સહિત 25 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. ઓડિશામાં અતિભારે અને બિહારમાં પૂર વચ્ચે વધુ વરસાદનું એલર્ટ છે, જ્યારે ગુજરાતમાં 16 સપ્ટેમ્બર સુધી હળવા-ભારે ઝાપટાં પડવાની શક્યતા છે.