Loading Please Wait !!!
બ્રિક્સ સંમેલન માટે દિલ્હી અભેદ્ય કિલ્લામાં ફેરવાયું: ભારતીય વાયુસેના કરશે આકાશની સુરક્ષા

 

  • રશિયા, ચીન અને ઈરાન સહિતના રાષ્ટ્રવડાઓની ઉપસ્થિતિને ધ્યાને રાખી આંતરરાષ્ટ્રીય સ્તરની સુરક્ષા તૈનાત

  • તાજ, આઈટીસી મૌર્ય, લા મેરિડિયન અને ધ અશોકા સહિત 11 હોટલોને હાઈ-સિક્યોરિટી ઝોન જાહેર કરાઈ

  • ભારત મંડપમ, હૈદરાબાદ હાઉસ અને રાષ્ટ્રપતિ ભવન તરફ જતા મુખ્ય માર્ગોને સુરક્ષિત કવચમાં લેવાયા

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

વૈશ્વિક સ્તરે પ્રવર્તતી ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે આગામી 12 અને 13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે યોજાનારા હાઈ-પ્રોફાઈલ બ્રિક્સ (BRICS) શિખર સંમેલનને લઈને દેશનું પાટનગર અભેદ્ય સુરક્ષા કિલ્લામાં ફેરવાઈ ગયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના પ્રમુખ શી જિનપિંગ અને ઈરાનના રાષ્ટ્રપતિ સહિત વિવિધ દેશોના રાષ્ટ્રવડાઓ આ સંમેલનમાં ભાગ લેવા ભારત આવી રહ્યા છે, જેને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર દિલ્હીમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG) ની આગેવાની હેઠળ કડક સુરક્ષા કવચ ગોઠવી દેવામાં આવ્યું છે.

શિખર સંમેલનના મુખ્ય સ્થળ ‘ભારત મંડપમ’ તેમજ વિદેશી મહાનુભાવોના નિવાસ માટે નિર્ધારિત કરાયેલી રાજધાનીની ટોચની 11 લક્ઝરી હોટલોની સુરક્ષા માટે ‘ઓપરેશન બ્રિક્સ કવચ’ કાર્યરત કરવામાં આવ્યું છે. આ 11 હોટલોમાં તાજ, આઈટીસી મૌર્ય, લા મેરિડિયન, ધ અશોકા અને ક્લેરિજિસ જેવી હોટલોનો સમાવેશ થાય છે, જેને હાઈ સિક્યોરિટી ઝોન જાહેર કરવામાં આવી છે. સુરક્ષા તૈયારીઓની સમીક્ષાના ભાગરૂપે 100 NSG કમાન્ડો અને 100 વાહનોના કાફલા સાથે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમથી ભારત મંડપમ સુધી 3 કલાકની સંયુક્ત મોકડ્રીલ યોજવામાં આવી હતી.

સમગ્ર આયોજન દરમિયાન દ્વિપક્ષીય વાટાઘાટો અને ભોજન સમારોહ હૈદરાબાદ હાઉસ અને રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર હોવાથી નિર્ધારિત માર્ગો પર સેન્ટ્રલ ફોર્સિસ અને દિલ્હી પોલીસના બાહોશ જવાનો તૈનાત કરી દેવાયા છે. વિદેશી રાષ્ટ્રવડાઓની પોતાની અંગત સુરક્ષા એજન્સીઓ પણ દિલ્હી પહોંચી ચૂકી છે અને તમામ એજન્સીઓ વચ્ચે ઉત્તમ તાલમેલ રહે તે માટે અત્યાધુનિક સેન્ટ્રલ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. દિલ્હી એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે, જ્યારે આકાશમાંથી કોઈપણ જોખમ ન સર્જાય તે હેતુથી એર સ્પેસની સુરક્ષાની પૂર્ણ જવાબદારી ભારતીય વાયુસેના (IAF) ને સુપરત કરવામાં આવી છે.

બ્રિક્સ સંમેલન માટે દિલ્હીમાં લોખંડી સુરક્ષા

દિલ્હીમાં 12-13 સપ્ટેમ્બરે યોજાનારા બ્રિક્સ શિખર સંમેલન માટે પુતિન અને શી જિનપિંગ સહિતના વૈશ્વિક નેતાઓની સુરક્ષા અર્થે 'ઓપરેશન બ્રિક્સ કવચ' હેઠળ 11 હોટલોને છાવણીમાં ફેરવી દેવાઈ છે. NSG અને સેન્ટ્રલ ફોર્સિસ દ્વારા જમીન પર કડક જાપ્તો ગોઠવાયો છે, જ્યારે પાટનગરના આકાશની સુરક્ષા માટે ભારતીય વાયુસેનાને સજ્જ કરાઈ છે.

પુટીન - જીનપીંગ ભારત આવે છે : સાત વર્ષ બાદ ચીનના રાષ્ટ્રવડાનું આગમન
દિલ્હી બનશે ડિપ્લોમસીનું મેદાન

નવી દિલ્હીઃ તા.12-13ના દિલ્હીમાં યોજાનારા બ્રિકસ સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ પણ ભારત આવી રહ્યા છે. આમ ફરી એક મંચ પર મોદી-પુટીન-જીનપીંગ ભેગા થશે તથા ખાસ કરીને અમેરિકા જે રીતે ટેરિફ યુદ્ધ અને ઈરાન સામેની વોરથી દુનિયાને બાનમાં રાખીને બેઠા છે તેના પર ચર્ચા થશે.

શ્રી મોદી- બન્ને રાષ્ટ્રવડાઓ સાથે તથા ઈરાનના રાષ્ટ્રવડા પણ ભારત આવી રહ્યા છે. ભારત-ચીન વચ્ચે તનાવ ભર્યા સંબંધો વચ્ચે સાત વર્ષ બાદ શી જીનપીંગ ભારત આવી રહ્યા છે તે પણ મહત્વનું છે.

આ તકનો ઉપયોગ બન્ને દેશો પક્ષના વ્યાપારીક સહિતના સંબંધોને મજબૂત બનાવવામાં કરી શકે છે. તા.12-16ના બ્રિકસની બેઠક પુર્વે દિલ્હીમાં તમામ આમંત્રીત દેશોના પ્રતિનિધિઓની ઔપચારીક બેઠકો શરૂ થઈ રહી છે.