Loading Please Wait !!!
અજય દેવગનની નવી ફિલ્મ 'ચૌહાણ'ના ટીઝરથી મચ્યો મોટો ખળભળાટ

  • વીડિયોમાં શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાન' પર કટાક્ષ કરતા ડાયલોગથી ચર્ચા
  • ચૌહાણ' ફિલ્મના નવા ડાયલોગથી સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે જંગ
  • એક્શન ફિલ્મ 'ચૌહાણ'નો ફર્સ્ટ લૂક રિલીઝ, 1 ઓક્ટોબર 2027ના રોજ રિલીઝ

સિટી ન્યુઝ @ રાજકોટ

બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગન ફરી એકવાર એક્શન અવતારમાં મોટા પડદા પર ધૂમ મચાવવા આવી રહ્યો છે. 25 જૂનના રોજ અજય દેવગનના પિતા અને દિગ્ગજ એક્શન ડિરેક્ટર વીરુ દેવગનની જન્મજયંતિ નિમિત્તે તેમની નવી ફિલ્મ 'ચૌહાણ'નો ફર્સ્ટ લૂક અને એનાઉન્સમેન્ટ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં અજય દેવગનનો એકદમ નવો, રફ-ટફ અને એન્ગ્રી યંગ મેન અવતાર જોવા મળે છે. અમિતાભ બચ્ચનના એવરગ્રીન ગીત 'જુમ્મા ચૂમ્મા દે દે'ના બેકગ્રાઉન્ડ મ્યુઝિકે અજયના સ્વેગમાં મોટો વધારો કર્યો છે.

આ ટીઝર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર એક મોટા વિવાદ અને ચર્ચાની શરૂઆત થઈ ગઈ છે. વીડિયોના અંતમાં અજય દેવગને બોલેલો ડાયલોગ, 'પઠાણોને કહી દેજો, ચૌહાણ આવી રહ્યો છે' લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. ચાહકો આ લાઇનને શાહરુખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'પઠાન' પર સીધો કટાક્ષ માની રહ્યા છે. આ અટકળો એટલા માટે પણ તેજ બની છે કારણ કે 25 જૂન 2026ના રોજ શાહરુખ ખાને બોલિવૂડમાં પોતાના 34 વર્ષ પૂર્ણ કર્યા છે.

જ્યાં એક તરફ શાહરુખ ખાનના ફેન્સ ઉજવણી કરી રહ્યા હતા, ત્યાં અજયના આ ડાયલોગે પઠાન વિરુદ્ધ ચૌહાણની નવી ડિબેટ શરૂ કરી દીધી છે. જોકે, મેકર્સ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન અપાયું નથી. જિયો સ્ટુડિયોઝ અને કલર યેલો ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું નિર્દેશન નીરજ યાદવ કરી રહ્યા છે. જ્યોતિ દેશપાંડે, હિમાંશુ શર્મા અને આનંદ એલ રાય દ્વારા નિર્મિત આ હાઈ-ઓક્ટેન એક્શન ફિલ્મ 1 ઓક્ટોબર 2027ના રોજ સિનેમાઘરોમાં ધમાકેદાર રિલીઝ થવાની છે.

બોલિવૂડમાં ટ્રેન્ડ બની રહી છે માસ ડાયલોગબાજી

આજકાલ ફિલ્મોના પ્રમોશન માટે માસ ડાયલોગ્સ અને અન્ય સ્ટાર્સની ફિલ્મો પર પરોક્ષ કટાક્ષ કરવાનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આવા પાવરફુલ ડાયલોગ્સથી ફિલ્મની હાઈપ રાતોરાત વધી જાય છે અને દર્શકોમાં ઉત્કંઠા જાગે છે. સોશિયલ મીડિયા પર ફેન ક્લબ વચ્ચે થતી ચર્ચાઓનો સીધો ફાયદો ફિલ્મના પ્રમોશનને મળે છે. દર્શકો પણ હવે સાદી સ્ટોરીના બદલે એગ્રેસિવ અને ડાયલોગબાજી વાળી એન્ટરટેઈનર ફિલ્મો જોવાનું વધુ પસંદ કરવા લાગ્યા છે.