Loading Please Wait !!!
વડોદરામાં ગારમેન્ટના વેપારી પર ફાયરિંગ, બાઈક સવાર હુમલાખોરો ફરાર

  • કારમાં ઘરે જઈ રહેલા વેપારીના હાથના બાવળામાં ગોળી વાગી, પોલીસ તપાસ તેજ
  • ઓવરટેક કરીને બાઈક સવાર શખસે ચલાવી ગોળી, વેપારી હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • અજાણ્યા બાઈક સવારોએ કારમાં જઈ રહેલા યુવકને મારી ગોળી, તપાસ શરૂ

સિટી ન્યુઝ @ વડોદરા

વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે ગત રાત્રે ગારમેન્ટનો વ્યવસાય કરતા એક વેપારી પર અજાણ્યા બાઈક સવારો દ્વારા ફાયરિંગ કરવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. મૂળ દિલ્હીના અને વડોદરાના પ્રાઈમસિટી સોસાયટીમાં રહેતા 37 વર્ષીય આશિષકુમાર બાકોલીયા રાત્રે પોતાની દુકાન બંધ કરીને કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. વાઘોડિયા ચોકડી પાસે ટ્રાફિકને કારણે કાર ધીમી પડતા બાઈક પર આવેલા બે શખ્સોએ કારની બાજુમાં આવીને સીધું ફાયરિંગ કર્યું હતું.

હુમલાખોરોએ કરેલી ગોળી કારના ડ્રાઇવર સાઇડનો કાચ તોડીને આશિષકુમારના જમણા હાથના બાવળામાં વાગી હતી. હુમલા બાદ મોટરસાયકલ પર આવેલા બંને શખ્સો ફરાર થઈ ગયા હતા, જેમાં ચલાવનાર વ્યક્તિએ કાળા રંગનું હેલ્મેટ અને પાછળ બેસનારે મોઢા પર માસ્ક પહેરેલું હતું. ઈજાગ્રસ્ત વેપારીએ સમય સૂચકતા વાપરીને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, ત્યારબાદ તેમને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની ગંભીરતાને જોતા DYSP પી.એન. પટેલે જણાવ્યું કે હાલમાં આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ પુરાવાઓના આધારે હુમલાખોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. વેપારી આશિષકુમારે જણાવ્યું કે તેમની કોઈની સાથે ક્યારેય કોઈ લડાઈ કે અદાવત થઈ નથી, જેથી આ હુમલો કોણે અને શા માટે કર્યો તે એક રહસ્ય બની ગયું છે. વડોદરા પોલીસની અલગ-અલગ ટીમો આ ફાયરિંગના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે.

સલામત શહેરની છબી પર સવાલ

વડોદરા જેવા વિકસિત શહેરમાં ભરચક વિસ્તારમાં અને ટ્રાફિક વચ્ચે આવી રીતે સરાજાહેર ફાયરિંગની ઘટના બનવી તે સુરક્ષા વ્યવસ્થા માટે ચિંતાનો વિષય છે. હુમલાખોરો કોઈપણ ડર વગર આવી ઘટનાને અંજામ આપીને ફરાર થઈ જાય તે દર્શાવે છે કે ગુનેગારોનો કાયદાનો ડર ઓછો થઈ રહ્યો છે. આ કિસ્સામાં આરોપીઓની ઝડપી ધરપકડ અને કડક સજા થવી અત્યંત જરૂરી છે, જેથી સામાન્ય નાગરિકો અને વેપારી વર્ગમાં સુરક્ષાની ભાવના જળવાઈ રહે.