Loading Please Wait !!!
સુરતમાં બેફામ ડમ્પરે મા-દીકરીને કચડ્યા, તહેવારનો માહોલ માતમમાં ફેરવાયો

  • સુરતમાં બેફામ ડમ્પરે મા-દીકરીને કચડ્યા, તહેવારનો માહોલ માતમમાં ફેરવાયો
  • ભેસ્તાનમાં કાળ બનીને આવેલા ડમ્પરે લીધા 2 જીવ, પરિવારમાં આક્રંદ
  • મામા અને મોટી દીકરીનો ચમત્કારિક બચાવ, પોલીસે ડમ્પર ચાલકની કરી અટકાયત

સિટી ન્યુઝ @ સુરત

સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક અત્યંત ગમખ્વાર અકસ્માતમાં માતા અને તેની 3 વર્ષની માસૂમ દીકરીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. મોહર્રમના તહેવાર નિમિત્તે પિયર ગયેલી 22 વર્ષીય રુકશાન ઇમરાન સૈયદ પોતાના ભાઈ સાથે મોપેડ પર સાસરે પરત ફરી રહી હતી, ત્યારે કાળ બનીને આવેલા એક બેફામ ડમ્પરે તેમની મોપેડને અડફેટે લીધી હતી. આ દુર્ઘટનામાં માતા અને દીકરી જૈનમનું ઘટનાસ્થળે જ મોત થતા તહેવારની ખુશીઓ પલભરમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરના તોતિંગ વ્હીલ નીચે માતા અને પુત્રી કચડાઈ ગયા હતા. આ અકસ્માતમાં મોપેડ પર સવાર રુકશાનનો ભાઈ અને તેની બીજી 4 વર્ષની દીકરી હાઈકાનો ચમત્કારિક બચાવ થયો હતો, પરંતુ નજર સામે જ માતા અને નાની બહેનને ગુમાવનાર હાઈકાના આઘાતનું વર્ણન કરવું મુશ્કેલ છે. સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર મૃતકના પતિ ઇમરાન સૈયદ અને પરિવારજનોના હૈયાફાટ રુદને ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની કરી દીધી હતી. ઇમરાને ભાવુક થઈ જણાવ્યું કે ગયા વર્ષે જ તેમણે પોતાના ભાઈને ગુમાવ્યા હતા અને આજે પત્ની-પુત્રીને પણ તે જ રીતે ગુમાવવાનો વારો આવ્યો છે.

ઘટના બાદ ભેસ્તાન પોલીસે તાત્કાલિક ગુનો નોંધી ડમ્પર ચાલકની અટકાયત કરી લીધી છે. સ્થાનિક લોકો અને મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે ડમ્પર ચાલક કથિત રીતે નશાની હાલતમાં હતો અને બેફામ વાહન ચલાવી રહ્યો હતો. આ ઘટના બાદ શહેરમાં ભારે વાહનો ચલાવતા નશાખોર ડ્રાઈવરો સામે સખત ઝુંબેશ ચલાવવા અને દોષિત ડ્રાઈવર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે. પોલીસે હાલ આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

નશાખોર ડ્રાઈવરો અને બેફામ વાહનચાલકો પર લગામ જરૂરી

શહેરમાં ભારે વાહનો દ્વારા થતા અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેનું એક મુખ્ય કારણ બેફામ ગતિ અને ક્યારેક ડ્રાઈવરો દ્વારા કરવામાં આવતું નશાનું સેવન છે. નિર્દોષ લોકોના જીવ બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવું અને નશાખોર ડ્રાઈવરો પર આકરી નજર રાખવી અત્યંત આવશ્યક છે. આવા કિસ્સાઓમાં માત્ર અટકાયત નહીં, પરંતુ ન્યાયિક પ્રક્રિયા દ્વારા સખત સજા મળે તો જ ભવિષ્યમાં આવા ગમખ્વાર અકસ્માતો પર લગામ લગાવી શકાશે.