ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ભારત ટેક્સી સેવાનો શુભારંભ
- ડ્રાઈવરોનું શોષણ અટકશે, સારથિઓ બનશે સહકારી સંસ્થાના માલિક
- 2 વર્ષમાં 500 શહેર-ગામડાઓમાં ફોર વ્હીલર સેવા પહોંચાડવાનું લક્ષ્ય
- અમિત શાહે સહકારી મોડલ પર આધારિત મોબિલિટી સેવા લોન્ચ કરી
સિટી ન્યુઝ @ ગાંધીનગર
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહકારી મોડલ આધારિત 'ભારત ટેક્સી' સેવાનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરત એરપોર્ટ તેમજ અન્ય સરકારી સંસ્થાઓ સાથે એમઓયુ પણ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે મુસાફરો અને ડ્રાઈવરોનું શોષણ અટકાવવા માટે આ સેવા શરૂ કરવામાં આવી છે. અહીં ડ્રાઈવર નહીં પરંતુ 'સારથિ' હશે, જે માત્ર સેવા આપનાર જ નહીં પણ સહકારી સંસ્થાનો માલિક પણ ગણાશે.
આ સેવાના મુખ્ય ઉદ્દેશ્ય અંગે માહિતી આપતા અમિત શાહે કહ્યું કે ખાનગી એપ આધારિત કંપનીઓમાં ડ્રાઈવરો પાસેથી વસૂલાતું ભારે કમિશન અને મહેનતાણામાં વિલંબ જેવી અનેક ફરિયાદોને ધ્યાનમાં લઈને સહકારી મોડલ તૈયાર કરાયું છે. હાલમાં દેશભરમાં 7 લાખથી વધુ સારથિઓ આ સંસ્થા સાથે જોડાયેલા છે. તેમણે દાવો કર્યો હતો કે ભારત ટેક્સીના આગમન બાદ ખાનગી કંપનીઓએ પણ તેમના ભાડામાં ઘટાડો કરવાની ફરજ પડી છે. આગામી બે વર્ષમાં આ સેવાનો વ્યાપ 500 શહેર અને ગામડાઓ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું છે કે અમદાવાદના વિવિધ રૂટ પર ભારત ટેક્સીનું ભાડું અન્ય ખાનગી કેબ સેવાઓની સરખામણીમાં સૌથી સસ્તું છે. એરપોર્ટથી ઇસ્કોન મંદિર જવા માટે ભારત ટેક્સીનું ભાડું માત્ર 271 રૂપિયા છે, જ્યારે કાલુપુર રેલવે સ્ટેશનથી ઇસ્કોન મંદિર જવા માટે પણ અન્ય કેબ સેવાઓ કરતા અહીં ઓછું ભાડું નોંધાયું છે. ગુજરાતમાં સહકારી ભાવનાને કારણે આ નવી પહેલ આત્મનિર્ભર ભારતના સંકલ્પને વેગ આપશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
સહકારી ક્ષેત્રમાં નવી મોબિલિટી ક્રાંતિ
ભારત ટેક્સી માત્ર એક ટેક્સી સેવા નથી, પરંતુ સહકારિતાનું નવું સફળ મોડલ છે. ડ્રાઈવરોને માત્ર વેતન નહીં પરંતુ સંસ્થામાં માલિકી હક અને નફામાં ભાગીદારી આપીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો આ એક ઐતિહાસિક પ્રયાસ છે. આ સેવા ડ્રાઈવરો અને ગ્રાહકો બંનેના શોષણને અટકાવીને મોબિલિટીના ક્ષેત્રમાં પારદર્શિતા અને સમૃદ્ધિનું નવું યુગ શરૂ કરશે.