"યોગ આશ્રમમાં નોટોનું કારખાનું: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 કરોડની નકલી નોટો ઝડપી"
-
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી ₹500ના દરની કુલ 2 કરોડની કિંમતની નકલી નોટો મળી આવી.
-
ક્રાઇમ બ્રાન્ચે એક મહિલા સહિત 6 શખ્સોની ધરપકડ કરી છે.
-
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામમાં આવેલા શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન (પ્રદીપ ગુરુજી) ના આશ્રમમાં આ નોટો છપાતી હતી.
અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરીને નકલી ચલણી નોટોના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં વોચ ગોઠવીને પોલીસે ₹500 ના દરની કુલ 2 કરોડ રૂપિયાની બનાવટી નોટો સાથે 6 શખ્સોની અટકાયત કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જે વિગતો બહાર આવી છે તેણે પોલીસ અધિકારીઓને પણ ચોંકાવી દીધા છે, કારણ કે આ આખું રેકેટ સુરતના એક યોગ આશ્રમમાંથી સંચાલિત થતું હતું.
ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સુરતથી નકલી નોટોનો મોટો જથ્થો અમદાવાદમાં ડિલિવરી માટે લાવવામાં આવી રહ્યો છે. પોલીસે બાતમી મુજબની ગાડીને આંતરીને તપાસ કરતા તેમાંથી કરોડોની ફેક કરન્સી મળી આવી હતી. તપાસમાં ખૂલ્યું હતું કે આ ગાડી સુરતના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે આવેલા શ્રી સત્ય યોગ ફાઉન્ડેશનના આશ્રમની છે અને આ સંસ્થાના પ્રદીપ ગુરુજીના આશ્રમમાં જ આ નોટો છાપવામાં આવતી હતી.
આ સફળ ઓપરેશન બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ તાત્કાલિક સુરત દોડી ગઈ હતી અને કામરેજ સ્થિત આશ્રમમાં દરોડો પાડ્યો હતો. પોલીસને ત્યાંથી નકલી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાતા પ્રિન્ટર્સ, કાગળ અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો મળી આવ્યા છે. આશ્રમમાં યોગ અને સેવાના નામે ચાલતા આ કાળા કારોબારમાં અનેક મોટા માથાઓ સામેલ હોવાની શક્યતા સેવાઈ રહી છે.
પકડાયેલા 6 આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ ટોળકી સુરતમાં નોટો છાપીને તેની પહેલી મોટી ડીલ અમદાવાદમાં કરવા માટે આવી હતી, પરંતુ તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગઈ. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે અત્યાર સુધીમાં આ ટોળકીએ બજારમાં કેટલી નકલી નોટો વહેતી કરી છે અને આ નેટવર્કના તાર અન્ય કયા શહેરો કે રાજ્યો સાથે જોડાયેલા છે. આ ઘટનાએ સુરત અને અમદાવાદના ધાર્મિક-સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાડી છે.