Loading Please Wait !!!
અમદાવાદમાં AMTS બસનો આતંક: કૃષ્ણનગરમાં બળદગાડાને કચડ્યું, રોષે ભરાયેલા ટોળાએ બસના કાચ તોડી નાખ્યા!

  • સરદાર ચોક પાસે ભયાનક ટક્કર - ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃદ્ધ હોસ્પિટલમાં દાખલ, પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
  • કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તંગદિલી - વારંવારના અકસ્માતોથી કંટાળેલા રહીશોએ કાયદો હાથમાં લીધો
  • વિજય પાર્ક માર્ગ પર અકસ્માત સર્જી ચાલક ભાગી છૂટ્યો - તોડફોડ કરનારા તત્વો સામે પણ પોલીસની લાલ આંખ

અમદાવાદ શહેરમાં સરકારી બસો દ્વારા સર્જાતા અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે કૃષ્ણનગર વિસ્તારમાં એક પૂરપાટ ઝડપે આવતી AMTS બસે રોડ સાઈડમાં જઈ રહેલા બળદગાડાને જોરદાર અડફેટે લીધું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બળદગાડું ચલાવતા વૃદ્ધ હવામાં ફંગોળાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

લોકોનો રોષ અને બસમાં તોડફોડ સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જતા આ માર્ગ પર અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત વૃદ્ધને લોહીલુહાણ હાલતમાં જોઈને લોકોનો પિત્તો ગયો હતો. વારંવાર રજૂઆતો છતાં આ માર્ગ પર બસોની ગતિ મર્યાદિત ન રહેતા રોષે ભરાયેલા ટોળાએ બસ પર પથ્થરમારો કર્યો હતો અને બસના કાચ તોડી નાખ્યા હતા. સ્થિતિ વણસતી જોઈ બસ ચાલક લોકોના મારના ડરથી બસ મૂકીને નાસી છૂટ્યો હતો.

CCTV ફૂટેજ અને પોલીસની તપાસ ઘટનાની જાણ થતા જ કૃષ્ણનગર પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ટોળાને વિખેરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને નજીકની દુકાનના સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે રસ્તો ખુલ્લો હોવા છતાં બસ ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી બળદગાડાને ટક્કર મારી હતી. પોલીસે બસ કબજે કરી છે અને ફરાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઈજાગ્રસ્ત વૃદ્ધ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.