અમદાવાદમાં ઓવૈસીની એન્ટ્રી: ખાનપુરની જાહેર સભાથી AIMIM ના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ!
- ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AIMIM 630 બેઠકો પર લડશે - આજે સાંજે જે.પી. ચોકમાં શક્તિ પ્રદર્શન
- 48 ઉમેદવારો સાથે અમદાવાદ મનપામાં ઝંપલાવશે ઓવૈસીની પાર્ટી - સાબીર કાબલીવાલાએ રણનીતિ કરી સ્પષ્ટ
- ખાનપુરમાં ત્રણેય વોર્ડની બોર્ડર પર જંગી સભાનું આયોજન - લઘુમતી વિસ્તારોમાં કોંગ્રેસ-ભાજપ માટે વધશે ચિંતા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે જ અમદાવાદનું રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને લઘુમતી વિસ્તારોમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે AIMIM પાર્ટીએ કમર કસી છે. આજે 4 એપ્રિલના રોજ AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસી અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલ જે.પી. ચોક ખાતે એક વિશાળ જાહેર સભાને સંબોધન કરીને રાજ્યમાં પોતાની પાર્ટીના પ્રચારના શ્રીગણેશ કરશે.
AIMIM ના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલાએ જણાવ્યું હતું કે, આ વખતે પાર્ટી માત્ર અમદાવાદ પૂરતી સીમિત નથી, પરંતુ રાજ્યની પાંચ મહાનગરપાલિકાઓ, 10 નગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં કુલ 630 જેટલા ઉમેદવારો ઉભા રાખવાની તૈયારી કરી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ તો, કુલ 48 વોર્ડમાંથી જે 12 વોર્ડમાં મુસ્લિમ સમાજનું પ્રભુત્વ વધુ છે, ત્યાં પાર્ટી તમામ 48 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે.
આજની સભા માટે ખાનપુરની પસંદગી વ્યૂહાત્મક રીતે કરવામાં આવી છે, કારણ કે આ વિસ્તાર શાહપુર, દરીયાપુર અને જમાલપુર એમ ત્રણેય મહત્વના વોર્ડની સરહદ પર આવેલો છે. ઓવૈસી ગઈકાલથી જ અમદાવાદ આવી પહોંચ્યા છે અને આજે દિવસ દરમિયાન સ્થાનિક નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ સાંજે 7 વાગ્યે જનતાને સંબોધશે. અગાઉની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ઓવૈસીએ અહીંથી જ પ્રચાર શરૂ કર્યો હતો, જેનો તેમને ફાયદો મળ્યો હતો.
પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, જમાલપુર વોર્ડમાંથી અફસાના બાનુ ચીસ્તી અને મકતમપુરા વોર્ડમાંથી ઝૈનબબીબીને ફરીથી ટિકિટ મળવાની પ્રબળ શક્યતા છે. જોકે, કેટલાક જૂના કોર્પોરેટરો આ વખતે રેસમાંથી બહાર છે. મોહમ્મદ રફીક ભાઈ અનામત રોટેશનના કારણે લડી શકશે નહીં, જ્યારે મુસ્તાક ખાદીવાલાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. બીનાબેન ચૌહાણને પણ આ વખતે ટિકિટ આપવામાં આવનાર નથી.
રાજકોટ સહિત ગુજરાતના અન્ય શહેરોમાં પણ AIMIM ની સક્રિયતા વધતા આ વખતે લઘુમતી મતોનું વિભાજન કોંગ્રેસ માટે પડકારરૂપ બની શકે છે. ઓવૈસીની આજની સભામાં કયા મુદ્દાઓ પર પ્રહાર કરવામાં આવે છે અને જનતાનો કેવો પ્રતિસાદ મળે છે, તેના પર ભાજપ અને કોંગ્રેસ બંનેની નજર રહેશે.