એઈમ્સ રાજકોટમાં અદ્યતન સ્પાઇન સર્જરી સેવાઓનો સફળ પ્રારંભ
- પ્રથમ જટિલ લંબર સ્પાઇન સર્જરી સફળ; 78 વર્ષીય દર્દીને ગંભીર કમરના દુખાવા માંથી મળી રાહત
સિટી ન્યૂઝ@રાજકોટ
અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS) રાજકોટ ખાતે અદ્યતન સ્પાઇન સર્જરી સેવાઓનો સફળ પ્રારંભ થયો છે. ઓર્થોપેડિક્સ વિભાગે પ્રથમ જટિલ લંબર સ્પાઇન સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરીને સુપર-સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે.
૭૮ વર્ષીય મહિલા છેલ્લા ૨ વર્ષથી કમરના અસાહ્ય દુખાવા, બંને પગમાં સતત પીડા અને નબળાઈથી પીડાતા હતા. સ્થિતિ એટલી ગંભીર બની હતી કે તેઓ થોડાં પગલાં પણ પીડા વિના ચાલી શકતા નહોતા. એઈમ્સ રાજકોટના વરિષ્ઠ ફેકલ્ટી અને સુપર-સ્પેશિયાલિટી નિષ્ણાતોની ટીમે તબીબી તપાસ અને રેડિયોલોજીકલ મૂલ્યાંકન કરતાં તેમને લંબર કેનાલ સ્ટેનોસિસ (Lumbar Canal Stenosis) હોવાનું નિદાન થયું હતું. આ સ્થિતિમાં સ્પાઇનલ કેનાલ સાંકડી થવાથી નસો પર દબાણ સર્જાય છે અને કમર-પગમાં દુખાવો, સુન્નકાર, નબળાઈ તથા ચાલવામાં મુશ્કેલી થાય છે.
દર્દીની મલ્ટી-લેવલ લંબર ડીકમ્પ્રેશન અને સ્પાઇનલ ફિક્સેશન સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. ઉચ્ચ તકનીકી કુશળતા માગતી આ જટિલ સર્જરીનું નેતૃત્વ ઓર્થોપેડિક્સ વિભાગના વડા ડૉ. ફુલભૂષણ કંબોજે કર્યું હતું. ડૉ. હર્ષિલ અને ડૉ. હાર્દિકે સર્જિકલ સહયોગ આપ્યો હતો. એનેસ્થેશિયોલોજી વિભાગના ડૉ. વિક્રમવર્ધન, ડૉ. અનિતા અને તેમની ટીમે એનેસ્થેટિક વ્યવસ્થા સંભાળી હતી.
એઈમ્સ રાજકોટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. એલ. એન. દોરાયરાજતના માર્ગદર્શન અને હોસ્પિટલ પ્રશાસનના સહયોગથી સર્જરી સફળ બની હતી. સર્જરી બાદ દર્દીની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો હતો. ઓપરેશનના ચોથા જ દિવસે દર્દી સ્વસ્થ ચાલવા લાગ્યા હતા અને ૧૦મા દિવસે સ્થિતિ સ્થિર થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ સફળતા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કરોડરજ્જુના જટિલ રોગોથી પીડાતા દર્દીઓ માટે મહત્વપૂર્ણ બની રહેશે. એઈમ્સ રાજકોટ નજીકના ભવિષ્યમાં મિનિમલી ઇન્વેસિવ અને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી જેવી અત્યાધુનિક સેવાઓ શરૂ કરવાની દિશામાં પણ કાર્યરત છે. આ સેવાઓથી ન્યૂનતમ ચીરા, ઓછો દુખાવો, ઝડપી રિકવરી અને ટૂંકા હોસ્પિટલ રોકાણ સાથે અદ્યતન સારવાર ઉપલબ્ધ થઈ શકશે. સ્પાઇન સર્જરીની આ સફળતા બદલ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. એલ. એન. દોરાયરાજને સમગ્ર તબીબી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.