Loading Please Wait !!!
સુરતમાં તાપી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે મગરો દેખાતા માછીમારોમાં ભયનો માહોલ!

 

  • તાપી નદીમાં ઉપરવાસમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે.

  • માછીમારી કરવા ગયેલા કાકા-ભત્રીજાએ મગરોનો વીડિયો રેકોર્ડ કર્યો હતો.

  • છેલ્લા એક અઠવાડિયાથી તાપી નદીના આ વિસ્તારમાં મગરો જોવા મળી રહ્યા છે.

સિટી ન્યુઝ @ સુરત

સુરત, સુરતમાં ખાડી પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે હવે તાપી નદીમાં વધુ એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે. તાપી નદીમાં ઉપરવાસમાંથી છોડાયેલા પાણીના પ્રવાહ સાથે મગરો પણ નદીના કિનારે અને વસ્તીવાળા વિસ્તારોની નજીક પહોંચી ગયા છે. અગાઉ અમરોલી-છાપરાભાઠા વિસ્તારમાં મગરનું બચ્ચું માછીમારીની જાળમાં ફસાયું હતું, અને હવે ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે આવેલા બાપુનગર ટેકરા પાસે એકસાથે બે પુખ્ત મગર જોવા મળ્યા છે, જેનાથી સ્થાનિક માછીમારોમાં ભયનો માહોલ સર્જાયો છે.

સ્થાનિક નાવિક નિલેશ સેલર પોતાના ભત્રીજા મોન્ટુ સાથે નાવડીમાં માછીમારી કરવા ગયા હતા ત્યારે તેમની નજર આ બે મગર પર પડી હતી અને તેમણે તેનો વીડિયો પણ બનાવ્યો હતો. નિલેશભાઈના જણાવ્યા મુજબ છેલ્લા એક અઠવાડિયાથી તાપી નદીના આ વિસ્તારમાં વારંવાર મગરો દેખાઈ રહ્યા છે. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા તેજ પ્રવાહના કારણે મગરો નીચાણવાળા વિસ્તારોમાં આવી ગયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈના પર હુમલાની ઘટના બની નથી, પરંતુ રોજીરોટી માટે નદીમાં ઉતરતા માછીમારો અને કિનારે રહેતા લોકો ભારે સાવચેતી રાખી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૬ના વિનાશક પૂર બાદ પણ તાપી નદીમાં આવા દ્રશ્યો જોવા મળ્યા હતા, અને લગભગ બે દાયકા બાદ ફરીથી આ સ્થિતિ સર્જાતા લોકોમાં જૂની ડરામણી યાદો તાજી થઈ ગઈ છે. સ્થાનિક નાગરિકો દ્વારા વન વિભાગ સમક્ષ માંગ કરવામાં આવી છે કે મગરોની હિલચાલ પર કડક નજર રાખવામાં આવે અને નદીકાંઠાના વિસ્તારોમાં યોગ્ય ચેતવણીઓ જાહેર કરવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.