Loading Please Wait !!!
પતિના અંતિમ સંસ્કાર પૈસા નહીં, ઝૂંપડામાં જ કરી અંતિમ વિધિ

=> વડોદરામાં લાચારીએ હદ પાર કરી


સિટી ન્યૂઝ@વડોદરા

વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં ગરીબીની લાચારી દર્શાવતી એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. વાઘોડિયા રોડ પર આવેલા સરકારી પ્લોટમાં એક આધેડનું અવસાન થતાં, અંતિમ સંસ્કાર માટે પૈસા ન હોવાથી પત્નીએ સ્મશાનના બદલે ખુલ્લા પ્લોટમાં જ અગ્નિદાહ આપી દીધો હતો.

વાઘોડિયા રોડ પર જાનકી ડુપ્લેક્સ નજીકના ઝૂંપડામાં રહેતા દંપતીમાંથી ૨૫ મેના રોજ આધેડ પતિનું અચાનક નિધન થયું હતું. પરિવારમાં અન્ય કોઈ સભ્ય ન હોવાથી અને આર્થિક સગવડ ન હોવાના કારણે, પત્નીએ લાચારીવશ તે જ સરકારી પ્લોટમાં લાકડાં ભેગાં કરી અંતિમ સંસ્કાર કરી દીધા હતા. ખુલ્લા પ્લોટમાંથી ધુમાડો નીકળતા સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા ત્યારે હેબતાઈ ગયા હતા. પૂરતા લાકડાં ન હોવાથી મૃતદેહ પૂરેપૂરો બળી શક્યો ન હતો અને અર્ધબળેલી હાલતમાં રઝળતો હતો. આ દ્રશ્ય જોઈ લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.

બનાવની જાણ થતાં પાણીગેટ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અર્ધબળેલા મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે. પૂછપરછમાં પત્નીએ રડતી આંખે જણાવ્યું હતું કે, પતિના અવસાન બાદ અંતિમ સંસ્કાર માટે તેમની પાસે એક પણ રૂપિયો નહોતો, જેથી મજબૂરીમાં આ પગલું ભરવું પડ્યું હતું.