ઝોમેટોથી કેશ ઓન ડિલિવરી ફૂડ મંગાવવું મોંઘું : ઓનલાઈન પેમેન્ટ પર રાહત
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો પરથી ફૂડ ઓર્ડર કરવું હવે મોંઘું થઈ ગયું છે. હવે જો તમે ઝોમેટો પરથી ફૂડ ઓર્ડર કરતી વખતે ‘કેશ ઓન ડિલિવરી’ એટલે કે ડિલિવરી સમયે રોકડ ચુકવણીનો વિકલ્પ પસંદ કરશો, તો તમારે ૫ રૂપિયા વધુ ચૂકવવા પડશે. આ નવો ચાર્જ એપના બિલ સમરીમાં ‘પે ઓન ડિલિવરી ફી’ના નામથી અલગથી ઉમેરાશે. કેટલાક યુઝર્સના એપ બિલમાં આ ફી ૭ રૂપિયાથી લઈને ૨૦ રૂપિયા સુધી અલગ-અલગ પણ દેખાઈ રહી છે.
જોકે, જે યુઝર્સ UPI, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ જેવા ડિજિટલ માધ્યમોથી ઓનલાઈન ચુકવણી કરશે, તેમને આ વધારાનો ચાર્જ લાગશે નહીં. ઝોમેટો દ્વારા લાવવામાં આવેલી આ નવી ‘પે ઓન ડિલિવરી ફી’ કંપનીના પ્લેટફોર્મ ફી, રેસ્ટોરન્ટ પેકિંગ ચાર્જ, ડિલિવરી ચાર્જ અને GST થી અલગ છે. એટલે કે, હવે તમારે ખાવા ઉપરાંત પેકેજિંગ, ડિલિવરી, પ્લેટફોર્મ અને રોકડમાં
ચુકવણી કરવા માટે પણ અલગથી પૈસા ચૂકવવા પડશે. જોકે, સ્વિગીયે હાલમાં આવો કોઈ ચાર્જ લાગુ કર્યો નથી.
ઝોમેટો પર દરરોજ લગભગ ૨૩થી ૨૫ લાખ ઓર્ડર કરવામાં આવે છે. જો માત્ર ૫ રૂપિયાનો નાનો એક્સ્ટ્રા ચાર્જ પણ લગાવવામાં આવે, તો કંપનીને દરરોજ ૧.૨૫ કરોડ રૂપિયા સુધીની વધુ કમાણી થઈ શકે છે. ભલે બધા ગ્રાહકો કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ ન પસંદ કરે, તેમ છતાં આ નિર્ણયથી ઝોમેટોનો વાર્ષિક સેંકડો કરોડ રૂપિયા વધી જશે. ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ દ્વારા ઓર્ડર પર અલગ-અલગ શુલ્ક ઉમેરવાનો સિલસિલો નવો નથી. એપ્રિલ ૨૦૨૩માં ઝોમેટો અને સ્વિગીયે માત્ર ૨ પ્લેટફોર્મ ફીથી શરૂઆત કરી હતી, જે હવે વધીને ૧૪.૯૯ પ્રતિ ઓર્ડર (વતા ૧૮% GST) થઈ ગઈ છે. દેખાવમાં આ રથી ૧૫નો ચાર્જ નાનો લાગે છે, પરંતુ ઈ-કોમર્સ અને ફૂડ ડિલિવરી કંપનીઓ આ નાના ચાર્જિસથી જ વાર્ષિક ૩,૫૦૦થી ૪,૦૦૦ કરોડની મોટી કમાણી કરી લે છે.
ઝોમેટોનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે દેશના ક્વિક-કોમર્સ અને ફૂડ-ડિલિવરી સેક્ટરમાં સ્પર્ધા ઘણી તેજ બની ગઈ છે. રેપિડોનું ‘ઓન્લી’ પ્લેટફોર્મ અને કિલપાર્ટની નવી ‘ઇટ ઇન’ સર્વિસ આ માર્કેટમાં પગ મૂકી રહ્યા છે.