ટર્કિશ એરલાઇન્સનું વિમાન ટ્યુનિશિયામાં ખતરનાક ટર્બુલન્સમાં ફસાયું
-
ઈસ્તાંબુલથી ટ્યુનિશિયા જઈ રહી હતી આ ફ્લાઇટ
-
ટ્યૂનિસ-કાર્થેજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સર્જાયું હતું તોફાની વાતાવરણ
-
પ્રવાસીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો આ ડરામણી ઘટનાનો વીડિયો
સિટી ન્યુઝ @ ઇસ્તાંબુલ
ઇસ્તાંબુલથી ટ્યુનિશિયા જઈ રહેલી ટર્બિશ એરલાઇન્સની ફ્લાઇટ સાથે ગત 10 સપ્ટેમ્બરે એક અત્યંત ભયાનક ઘટના સામે આવી છે. જ્યારે આ વિમાન ટ્યૂનિસ-કાર્થેજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે તે અચાનક તીવ્ર તોફાન અને ખતરનાક ટર્બુલન્સની ઝપેટમાં આવી ગયું હતું. આ ખતરનાક સ્થિતિને કારણે વિમાનમાં સવાર મુસાફરોમાં ભારે ભય ફેલાઈ ગયો હતો અને કેબિનમાં ચીસાચીસ મચી ગઈ હતી.
ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા એક પ્રવાસીના જણાવ્યા મુજબ, પાયલટે વિમાન ઉતારવા માટે ત્રણ વખત પ્રયાસ કર્યા હતા, પરંતુ ત્રીજા પ્રયાસ દરમિયાન પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે વિમાન કોઈ ફ્રી-ફોલની જેમ અચાનક નીચે પડવા લાગ્યું હોય તેવું અનુભવાયું હતું. ટ્યૂનિસ-કાર્થેજ એરપોર્ટ પર લેન્ડિંગ અસંભવ બનતા આખરે ફ્લાઇટને ત્યાંથી આશરે 60 માઈલ દક્ષિણમાં આવેલા એનફિધા-હમ્મામેટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી, જ્યાં વિમાને સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. સદનસીબે આ ડરામણી ઘટનામાં કોઈપણ મુસાફરને ઈજા પહોંચી ન હતી.
હવામાનની અનિશ્ચિતતા અને વિમાન સુરક્ષા
આકાશમાં અચાનક સર્જાતા ખરાબ હવામાન અને તોફાનો વિમાન પ્રવાસને કેટલો જોખમી બનાવી શકે છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. પાયલટની સૂઝબૂઝ અને એરપોર્ટ સ્ટાફના સમયસરના પગલાંઓને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.