ગણપતિ મહોત્સવ સાથે 'ઉત્સવ ઈકોનોમી': વેપાર 250 કરોડને પાર
-
અમદાવાદમાં 10 દિવસમાં ઊભું થાય છે 250 કરોડનું ધાર્મિક અર્થતંત્ર
-
મંડપ, ડેકોરેશન, લાઈટિંગ અને પ્રસાદથી બજાર ધમધમી રહી છે
-
ગિફ્ટિંગ ટ્રેન્ડને કારણે કોમર્શિયલ ક્ષેત્રનો હિસ્સો 30 થી 40% થયો
સિટી ન્યુઝ @ અમદાવાદ
આજથી ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વની શરૂઆત થઈ ચૂકી છે, જેની સાથે જ અમદાવાદમાં આ 10 દિવસ દરમિયાન રૂપિયા 250 કરોડનું એક વિશાળ ધાર્મિક અર્થતંત્ર ઊભું થયું છે. દાયકાઓ અગાઉ માત્ર શ્રદ્ધા અને ઘરના મંદિરમાં પૂજા પૂરતો સીમિત રહેલો આ ઉત્સવ આજે મૂર્તિ, ડેકોરેશન, મંડપ, લાઈટિંગ, સાઉન્ડ સિસ્ટમ અને પ્રસાદના માધ્યમથી હજારો નાના-મોટા વેપારીઓ માટે રોજગારીનું મોટું સાધન બન્યો છે. દસ વર્ષ અગાઉ મર્યાદિત વ્યાપ અને ઓછા ફુગાવાને કારણે આ વેપાર 100 કરોડની આસપાસ હતો, જે આજે વધીને અઢી ગણો થઈ ગયો છે.
તહેવાર દરમિયાન મોદક અને મોતીચૂરના લાડુની માંગ અતિશય વધી ગઈ છે. કાચો માલ મોંઘો થવાને કારણે મીઠાઈના ભાવમાં 15% નો વધારો થયો છે અને એક કિલો મોદકનો ભાવ રૂપિયા 680 સુધી પહોંચી ગયો છે. કોર્પોરેટ ગિફ્ટિંગના ટ્રેન્ડને કારણે કુલ મીઠાઈની માંગમાં 30 થી 40% ફાળો કોમર્શિયલ ક્ષેત્રનો રહે છે. આ ઉપરાંત, સોની બજારમાં ચાંદીની પાટ, સોનાના મુગટ, ચાંદીના આભૂષણો અને મૂષકરાજની પ્રતિમાઓની ખરીદી પણ જોરોશોરો પર છે. હવન અને પૂજા માટે ફૂલોની માંગ સામાન્ય દિવસોના 10-12 હજાર કિલોથી વધીને 50 હજાર કિલો સુધી પહોંચે છે, પરંતુ આબોહવા પરિવર્તનને કારણે ફળો અને ફૂલોની આવકમાં ઘટાડો થવાથી તેના ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
ધાર્મિક આસ્થા અને અર્થતંત્રનો સમન્વય
ઇતિહાસમાં લોકમાન્ય તિલકે બ્રિટિશ શાસન સામે લોકજાગૃતિ અને રાષ્ટ્રવાદ જગાવવા માટે સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કરી હતી. આજે આ જ પરંપરા માત્ર સાંસ્કૃતિક ચેતના જ નહીં, પરંતુ વેપાર અને રોજગારીના નવા આયામો સર્જીને સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરવાનું એક મોટું કેન્દ્ર બની ગઈ છે.