લોહાણા સમાજનું ગૌરવ : યુગાન્ડામાં ભારતીય યુવાન શ્યામ તન્ના બન્યા સાંસદ
=> કમ્પાલાના લોહાણા સમાજના યુવા અગ્રણીએ ગીતાજી પર હાથ રાખીને શપથ લીધા
=> પરિવાર 100 વર્ષથી યુગાન્ડામાં વસે છે, પિતા પણ અગાઉ 10 વર્ષ સાંસદ રહી ચૂક્યા છે
સિટી ન્યૂઝ@કમ્પાલા
આફ્રિકન દેશ યુગાન્ડાની 12 મી સંસદમાં (વર્ષ 2026 થી 2031) ભારતીય મૂળના અને કમ્પાલાના લોહાણા સમાજના યુવા અગ્રણી શ્યામ જય તન્નાએ સાંસદ (મેમ્બર ઓફ પાર્લામેન્ટ) તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહમાં શ્યામ તન્નાએ હાથમાં પવિત્ર ગ્રંથ ગીતાજી ધારણ કરીને શપથ લીધા હતા. તેમની આ સિદ્ધિથી સમગ્ર લોહાણા સમાજ અને ત્યાં વસતા ભારતીય સમુદાયનું ગૌરવ વધ્યું છે. યુગાન્ડાના અખબારો અને સત્તાવાર વિગતો અનુસાર, માત્ર 27 વર્ષની નાની વયે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર શ્યામ જય તન્નાએ તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ઇતિહાસ રચ્યો છે.
તેમણે પોતાના હરીફ અને પૂર્વ સાંસદ અપોલો યેરી ઓફવોનોને હરાવીને આ બેઠક જીતી છે. ચૂંટણી પરિણામો મુજબ, શ્યામ તન્નાને કુલ 5781 મતો (43.56 ટકા) મળ્યા હતા, જ્યારે તેમના મુખ્ય હરીફ અપોલોને 4829 મતો (36.39 ટકા) મળ્યા હતા. શ્યામ તન્નાનો પરિવાર છેલ્લા 100 થી વધુ વર્ષોથી યુગાન્ડામાં વસવાટ કરે છે. જનસેવા તેમને વારસામાં મળી છે.
તેમના પિતા સંજય તન્ના પણ વર્ષ 2006 થી 2016 સુધી 10 વર્ષ માટે યુગાન્ડાની સંસદમાં સાંસદ તરીકે સેવા આપી ચૂક્યા છે. શ્યામ તન્નાએ પોતાની ચૂંટણી ઝુંબેશમાં જાતિવાદ અને રંગભેદથી ઉપર ઊઠીને, માત્ર વિકાસને પ્રાધાન્ય આપવાની નેમ વ્યક્ત કરી હતી, જે યુગાન્ડાના નાગરિકોને પસંદ આવી છે. શ્યામ જય તન્નાએ પવિત્ર શ્રીમદ ભગવદ ગીતાજી પર હાથ રાખીને સર્વશક્તિમાન ઈશ્વરના નામે શપથ લીધા હતા. તેમણે રિપબ્લિક ઓફ યુગાન્ડાના બંધારણના રક્ષણ અને દેશની પ્રગતિ માટે પોતાની વફાદારી અને પ્રતિબદ્ધતા દર્શાવી હતી. કમ્પાલાના લોહાણા સમાજે ખાસ પોસ્ટર બનાવીને તેમને યુગાન્ડા સંસદના સૌથી યુવા સભ્ય બનવા બદલ નવાજીને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.