ચીનના ગુઆંગ્શીમાં 5.2ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, બે લોકોના કરુણ મોત
- લિઉઝોઉ શહેરમાં મધ્યરાત્રિએ ધ્રુજી ધરા; કાટમાળ નીચે દબાવવાથી દંપતીએ ગુમાવ્યા જીવ
- લિઉનાન જિલ્લામાં 8 કિલોમીટરની ઊંડાઈએ હતું કેન્દ્રબિંદુ; ગભરાટમાં લોકો ઘરોની બહાર દોડ્યા
- તાઇયાંગચુન નગરમાં બચાવ કામગીરી તેજ; આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા રાહત શિબિરો શરૂ
સિટી ન્યુઝ @ બેઇજિંગ
ચીનના દક્ષિણ ભાગમાં આવેલા ગુઆંગ્શી ઝુઆંગ સ્વાયત્ત પ્રદેશમાં સોમવારની વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં બે લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ચીનની સરકારી ન્યૂઝ એજન્સીઓના અહેવાલ અનુસાર, મોડી રાત્રે ૧૨:૨૧ વાગ્યે આવેલા આ આંચકાને કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકો મધ્યરાત્રિએ જ પોતાના ઘરો છોડીને સુરક્ષિત સ્થાનો અને રસ્તાઓ પર દોડી આવ્યા હતા.
રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી છે. આ આંચકો મુખ્યત્વે લિઉઝોઉ શહેરના લિઉનાન જિલ્લામાં અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ તાઇયાંગચુન નગર પાસે જમીનથી માત્ર 8 કિલોમીટરની ઊંડાઈએ હતું. કેન્દ્રબિંદુ પૃથ્વીની સપાટીથી ઘણું નજીક હોવાને કારણે ભૂકંપના આંચકા અત્યંત તીવ્ર અને વિનાશક સાબિત થયા હતા. આ હોનારતમાં જીવ ગુમાવનાર બંને વ્યક્તિઓ એક પરિણીત દંપતી (૬૩ વર્ષીય પુરુષ અને ૫૩ વર્ષીય મહિલા) હોવાનું સામે આવ્યું છે, જેઓ ઇમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
ભૂકંપ એટલો જોરદાર હતો કે પળવારમાં જ ૧૩ જેટલી ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી, જ્યારે અન્ય અનેક રહેણાંક મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતાને જોતા સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક પગલાં લીધા હતા અને સંભવિત જોખમને ટાળવા માટે અત્યાર સુધીમાં 7000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા અસરગ્રસ્તો માટે અસ્થાયી રાહત શિબિરો શરૂ કરીને રહેવા અને જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે.
ઘટનાસ્થળે ઇમરજન્સી સર્વિસ, ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલા દ્વારા સવારથી જ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કાટમાળ હટાવવા માટે આધુનિક મશીનરી અને સ્નિફર ડોગ્સની મદદ લેવામાં આવી હતી. રાહતની વાત એ છે કે, અગાઉ ગુમ થયેલા 91 વર્ષીય વૃદ્ધને લાંબી જહેમત બાદ કાટમાળમાંથી જીવતા અને સુરક્ષિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય ચાર લોકોની સ્થિતિ પણ હાલ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે. આ ભૂકંપની અસર લિઉઝોઉ ઉપરાંત ગુઆંગ્શી પ્રદેશના નાનિંગ અને ગુઇલિન જેવા મોટા શહેરોમાં પણ અનુભવાઈ હતી.
ભૂકંપના કારણે રેલ્વે સત્તાવાળાઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ રેલ લાઇનોની સુરક્ષા તપાસ શરૂ કરવામાં આવી છે, જેના કારણે ટ્રેન વ્યવહાર આંશિક રીતે પ્રભાવિત થયો છે. જોકે, વહીવટી તંત્રના જણાવ્યા મુજબ અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી, પાણી, ગેસ અને મોબાઇલ-ઇન્ટરનેટ જેવી આવશ્યક સેવાઓ સંપૂર્ણપણે સામાન્ય રીતે કામ કરી રહી છે. ચાઇના ભૂકંપ વહીવટીતંત્રે આગામી સમયમાં હળવા આફ્ટરશોક્સ આવવાની આશંકાને ધ્યાનમાં રાખીને મોનિટરિંગ વધારી દીધું છે અને સ્થાનિક લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.