અમેરિકામાં એર-શો દરમિયાન બે લડાકુ વિમાનો હવામાં ટકરાયા, 4 પાયલોટોનો બચાવ
- ‘માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ’ પર સ્ટંટ દરમિયાન સર્જાયો અકસ્માત; સમયસૂચકતાથી પેરાશૂટ દ્વારા નીચે ઉતર્યા
- હવામાં જ વિમાનોના ટુકડે-ટુકડે થઈ આગના ગોળામાં ફેરવાયા; ભયાનક અકસ્માતનો લાઈવ વીડિયો વાયરલ
- સદનસીબે મોટી જાનહાનિ ટળી; યુએસ નેવી અને એરફોર્સના ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણ સુરક્ષિત
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન
અમેરિકાના ઇડાહો રાજ્યમાં યોજાયેલા એક પ્રખ્યાત એર-શો દરમિયાન એક અત્યંત ભયાનક અને કાળજું કંપાવનારો વિમાન અકસ્માત સર્જાયો છે. આકાશમાં રોમાંચક સ્ટંટ અને કરતબ બતાવી રહેલા યુએસ નેવી/એરફોર્સના બે અત્યાધુનિક EA-18G ગ્રાઉલર લડાકુ વિમાનો વચલા આસમાને એકબીજા સાથે પ્રચંડ વેગે અથડાયા હતા. આ ભયાનક ટક્કરને પગલે બંને વિમાનો ક્રેશ થઈ ગયા હતા, પરંતુ સદનસીબે બંને વિમાનમાં સવાર કુલ 4 પાયલોટોનો આ અકસ્માતમાં ચમત્કારિક બચાવ થયો છે.
આ દુર્ઘટના અમેરિકાના 'માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ' ખાતે પ્રદર્શન દરમિયાન બની હતી. હવામાં અત્યંત ઝડપ સાથે ફોર્મેશન સ્ટંટ કરી રહેલા બંને લડાકુ વિમાનો વચ્ચે અંતર ઘટી જતાં તેઓ એકબીજા સાથે અથડાયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે હવામાં જ બંને વિમાનોના ટુકડે-ટુકડે થઈ ગયા હતા અને આખું વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ ભયાનક અકસ્માતનો લાઈવ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં વિમાનો હવામાં જ તૂટીને નીચે ખાબકતા જોઈ શકાય છે.
આ ભયાનક દ્રશ્યો વચ્ચે એર-શો જોઈ રહેલા હજારો દર્શકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા, પરંતુ તે જ ક્ષણે આકાશમાં એક મોટો ચમત્કાર જોવા મળ્યો હતો. વિમાનો અથડાવાની બરાબર થોડી જ સેકન્ડોમાં હવામાં ચાર પેરાશૂટ ખુલતા જોવા મળ્યા હતા. બંને વિમાનોમાં સવાર કુલ 4 ક્રૂ મેમ્બર્સ (પાયલોટ) દ્વારા અદ્ભુત સમયસૂચકતા વાપરવામાં આવી હતી. વિમાન સંપૂર્ણપણે નિયંત્રણ બહાર જઈને ક્રેશ થાય તે પહેલાં જ તેઓ સ્માર્ટ ટેકનોલોજીની મદદથી સફળતાપૂર્વક ઇજેક્ટ થઈ ગયા હતા.
હવામાં ઇજેક્ટ થયા બાદ ચારેય પાયલોટો પેરાશૂટની મદદથી સંપૂર્ણ સુરક્ષિત રીતે અને કોઈ પણ મોટી ઈજા વગર જમીન પર ઉતરી આવ્યા હતા. આ ઘટના બાદ એરફોર્સ બેઝના ઈમરજન્સી મેડિકલ સ્ટાફે તાત્કાલિક તમામ પાયલોટોને કસ્ટડીમાં લઈ તેમની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી, જ્યાં તેઓ સ્વસ્થ હોવાનું જાહેર કરાયું છે. આ આકાશી રેસ્કયૂએ ત્યાં હાજર તમામ લશ્કરી અધિકારીઓ અને સામાન્ય જનતાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
આ અકસ્માત બાદ એર-શોની અન્ય પ્રવૃત્તિઓ સાવચેતીના ભાગરૂપે થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. યુએસ એરફોર્સ અને ફેડરલ એવિએશન ઓથોરિટી દ્વારા આ ગંભીર ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. કરોડો ડોલરની કિંમતના આ અત્યાધુનિક સૈન્ય વિમાનો કયા કારણોસર હવામાં ભટકાયા અને ટેકનિકલ ખામી હતી કે પાયલોટની ભૂલ, તે અંગે બ્લેક બોક્સની તપાસ બાદ જ વિગતવાર ખુલાસો થશે તેમ સત્તાવાળાઓએ જણાવ્યું છે.