પતિએ પત્નિને માથામાં હથોડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી
=> પત્નીના આડા સંબંધની જાણ થતાં પતિએ ખેલ્યો ખુની ખેલ: આરોપી સકંજામાં
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેર અને જિલ્લામાં હત્યાનો સીલસીલો યથાવત રહ્યો છે. રૈયા ટેલિફોન એક્સચેંજ પાસે આવેલા શિવાલિક એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહેતા શિલ્પાબેન અલ્તાફભાઈ લાલાણી(ખોજા) (ઉ.વ.૪૦)ના આજે સવારે ઘરે હતા પતિ સાથે બોલાચાલી થતા ઝગડો ઉગ્ર બન્યો હતો અને પતિએ ઉશ્કેરાટમાં આવી હથોડીના ઉપરા ઉપરી ઘા માથામાં મારી દેતા પત્ની લોહી લુહાણ હાલતમાં ત્યાંજ ઢળી પડી હતી. મૃતકની ભાણેજ બચાવવા વચ્ચે પડતા અલ્તાફ તેની પાછળ પણ હથોડી લઈને દોડતા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં દોડી ગઈ હતી અને ૧૦૮ તેમજ પોલીસને જાણ કરી હતી. શિલ્પાબેનને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.
ચકચારી ઘટનાને પગલે ઇન્ચાર્જ ડીસીપી ચૈતન્ય માંડલિક, એસીપી ડામોર તેમજ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ દવે સહિતનો પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઘટનાની વિગતો ભાણેજ નયનાબેન પાસેથી જાણી પતિ અલ્તાફ લાલાણી સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. મૃતકને સંતાનમાં દીકરો દીકરી છે, જેમાં દીકરો મુંબઈ અભ્યાસ કરે છે અને હાલ પોરબંદર રહેતા મામાના ઘરે વેકેશન કરવા માટે ગયો છે. જ્યારે દીકરી અમદાવાદ અહીં ખાનગી કંપનીમાં નોકરી કરે છે, માતાના અન્ય વ્યક્તિ સાથેના સંબંધે પરિવારનો હસતો રમતો માળો વીખી નાખતા બંને સંતાનો માતા-પિતા વિહોણા બન્યા છે. હત્યા કરનાર પતિને પોલીસે ગણતરીની કલાકોમાં જ સકંજામાં લઈ જેમાંથી હત્યા કરવામાં આવી હતી એ હથોડી પણ કબજે કરી વધુ પુછપરછ હાથ ધરી છે.