મેયર સીધા ફિલ્ડમાં; સુતુ તંત્ર જાગ્યું !
» રેડ; બેદરકારી કરશો તો કડક એક્શન
» રાજકોટ મહાપાલિકામાં જન્મ–મરણ વિભાગની મુલાકાત લીધી
» પ્રજા માટે પાણી, છાંયડા અને બેસવાની વ્યવસ્થા કરવા અધિકારીઓને નેહલ શુક્લનો આદેશ
» લાઈન નહીં, ઝડપી કામ જોઈએનો આદેશ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાપાલિકાના જન્મ-મરણ અને વેરા વસૂલાત વિભાગમાં આજે નવનિયુક્ત મેયર નેહલ શુક્લ તેમજ અન્ય પદાધિકારીઓ દ્વારા સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવી હતી. આજે કચેરી ખુલતાની સાથે મેયરે સેન્ટ્રલ ઝોન સિવિક સેન્ટરની મુલાકાત લીધી હતી, જ્યાં અનેક અરજદારો કાળઝાળ ગરમી અને તડકામાં લાઈનોમાં ઉભા રહીને હેરાન થતા જોવા મળ્યા હતા. અરજદારોની આ હાલાકી જોઈને મેયર ખૂબ નારાજ થયા હતા અને તેમણે સ્થળ પર જ હાજર ડેપ્યુટી કમિશનર ચેતનભાઈ નંદાણીને બોલાવી અરજદારો માટે પાણી, છાંયડા અને બેસવા માટે ખુરશી સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવા માટેનો કડક આદેશ આપ્યો હતો.
મેયરે ત્યાં સુધી તાકીદ કરી હતી કે જ્યાં સુધી આ તમામ વ્યવસ્થાઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ડેપ્યુટી કમિશનરે જન્મ-મરણ વિભાગ છોડવો નહીં. મેયરે આપેલા આદેશ બાદ સમગ્ર વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. આદેશના ૧ કલાક બાદ મેયર નેહલ શુક્લે સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેન ખીમણીયા અને દંડક સંજયસિંહ રાણાને સાથે રાખીને ફરીથી સિવિક સેન્ટરની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાઓની જાતે ચકાસણી કરી હતી. આ મુલાકાત દરમિયાન ડેપ્યુટી કમિશનર, ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી, સેન્ટ્રલ ઝોન ટેક્સ બ્રાંચના મેનેજર અને જન્મ-મરણ વિભાગના સુપરવાઈઝર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી વ્યવસ્થા સતત જળવાઈ રહે અને કામગીરી સુપેરે ચાલે તે માટે શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણાને જવાબદારી સોંપવામાં આવી છે, જેઓ આગામી ૧ સપ્તાહ સુધી આ કામગીરી પર સતત નજર રાખશે.
અરજદારોને લાંબી પ્રતિક્ષા ન કરવી પડે અને ગરમીમાં હેરાનગતિ ન થાય તે માટે મેયર દ્વારા વહીવટી પ્રક્રિયામાં નીચે મુજબના મહત્વના સુધારા કરવાના આદેશો આપવામાં આવ્યા છે. જેમાં દૈનિક ટોકન સિસ્ટમ શરૂ કરી દેવામાં આવશે. અને જન્મ-મરણના દાખલાઓ માટે હવેથી દરરોજ ૭૦ ટોકન આપવામાં આવશે. જે લોકોને ટોકન લીધા બાદ તે દિવસે વારો ન આવ્યો હોય, તેમને બીજા દિવસે કામગીરીમાં પ્રથમ અગ્રતા આપવામાં આવશે જેથી તેમનો સમય બગડે નહીં. આ ઉપરાંત ઓફલાઈન અરજી સ્વીકારવાનો નિર્ણય પણ લેવાયો છે. જેમાં નામ સુધારણા સહિત ઓફલાઈન કામગીરી માટે આવતા અરજદારો પાસેથી અરજીઓ જમા લઈ લેવામાં આવશે અને કામ પૂરું થયા બાદ તેમને ફોન દ્વારા જાણ કરવામાં આવશે. એટલું જ નહીં અહીં પીવાના પાણીની સુવિધા પણ ઉભી કરવામાં આવશે. જે અંતર્ગત કચેરીમાં હાજર અરજદારો માટે દર અડધી કલાકે પીવાના પાણી પહોંચાડવામાં આવશે. આ મામલે મેયર નેહલ શુક્લે જણાવ્યું હતું કે, હાલમાં જન્મ-મરણની કામગીરી કેન્દ્ર સરકારના પોર્ટલ સાથે જોડાયેલી હોવાથી અરજદારોને લાંબી પ્રતિક્ષા કરવી પડે છે.